
પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તકતી કૌભાંડ આચરાયું હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માં તકતીની ખરીદીમાં કોન્ટ્રાકટર દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની બુમરાણ મચી છે. બજારમાં મળતી તકતીથી ડબલ કિંમતે ખરીદી કરવી પડતી હોઇ લાભાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં શાસકોની રહેમનજર તળે કોન્ટ્રાક્ટરો પણ ભયમુક્ત બની ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની રાડ ઉઠી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના તળે લોકો પોતાનું ઘરનું રીનોવેસન કરાવી શકે તે માટે સરકાર દ્વારા નગરપાલિકાના માધ્યમથી લોકોને સહાય ચુકવવામાં આવી રહી છે. અને જે મકાનો તૈયાર થઇ ગયા હોય તેમને પોતાના સ્વખર્ચે પ્રધાન મંત્રી આવાસ યોજનાની તકતી લગાવવાની હોય છે. પરંતુ વચેટીયા કોન્ટ્રાક્ટરો દ્વારા લાભાર્થીને પ્રધાન મંત્રી આવાસ યોજનાની તકતી બનાવીઆપવામાં આવી રહી છે. જે તક્તિ માર્કેટમાં રૂપિયા ૬૦૦ થી ૮૦૦ની મળે છે તે તકતીઓને કોન્ટ્રાક્ટરો દ્વારા દુકાનોમાં રૂપિયા ૬૦૦ થી ૭૦૦માં બનાવી અરજદારો પાસેથી રૂપિયા ૧૨૦૦ લઇ અરજદારો પાસેથી ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે.
આ અંગે અરજદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, અમને ફોન કરવામાં આવ્યો હતો કે, તમારી તક્તિ તૈયાર થઇ ગઇ છે. રૂપિયા ૧૨૦૦ આપી તક્તિ લઇ જવી. જેનું અમને બીલ પણ આપવામાં આવ્યુ નથી. સરકાર એક તરફ લોકોને સહાય ચુકવી મદદ રૂપ બની રહી છે. તો બીજી તરફ સહાયના નેજા હેઠળ કોન્ટ્રાક્ટરો દ્વારા અરજદારો પાસેથી તક્તિના નામે વધુ નાણાં પડાવવામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી કસુરવાર સામે પગલા ફરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.