પાલનપુરમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપતો ડમી પરીક્ષાર્થી ઝડપાયો
વિધામંદિર કેમ્પસમાં આવેલી બી. કે. ભણશાળી સ્કુલમાં ઇતિહાસ વિષયની પરીક્ષા આપતા ઝડપાયો.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો ગતરોજ પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષા ના બીજા દિવસે પાલનપુર ખાતે વિધામંદિર કેમ્પસમાં આવેલી બી. કે. ભણશાળી સ્કુલમાં ધોરણ બારનું ઇતિહાસનું પેપર લખતો ડમી પરીક્ષાર્થી ઝડપાઇ ગયો હતો. જેની સામે પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે શુક્રવારે એક ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, શહેરના વિધામંદિર કેમ્પસમાં આવેલી બી. કે. ભણશાળી સ્કુલમાં ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં મુળ પરીક્ષાર્થી લાલાભાઇ દુદાજી ગોહિલને બદલે ડમી પરીક્ષાર્થી કરણભાઇ શિવાભાઇ ગોહિલ પરીક્ષા આપતો સુપરવાઇઝરના હાથે ઝડપાઇ ગયો હતો. જેમની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધોરણ ૧૨ની પરીક્ષા આપવા માટે વાવ વિનય મંદિરના છાત્ર લાલાભાઇ દુદાજી ગોહિલે ફોર્મ ભર્યુ હતુ. જોકે, તે પરીક્ષા આપવા માટે આવ્યો ન હતો. અને ડમી તરીકે આવેલો કરણ ગોહિલ ઝડપાઇ ગયો હતો. આમ મુળ છાત્રની કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ લાગી ગયું છે.