
પાલનપુરમાં જયોર્જ ફિફથ કલબની જમીન પર ભુમાફિયાઓનો ડોળો હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર : નવાબી નગરી પાલનપુરના નવાબે વર્ષો અગાઉ નગરજનોને રમત–ગમત માટે જમીન ફાળવી હતી. જેના પર જયોર્જ ફિફથ કલબનો કબ્જો હોવાના દાવા વચ્ચે શહેરના કેટલાક ભુમાફિયાનો ડોળો આ જમીન પર હોઈ જ્યોર્જ ફિફ્થ કલબ બચાવવાની માંગ સાથે કલબના સંચાલકો સહિત રમતગમત પ્રેમીઓએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી.
પાલનપુરમાં ૧૧૦ વર્ષથી ચાલતા જ્યોર્જ ફિફ્થ કલબના મેદાનની બાજુમાં આવેલી જમીન ભુમાફિયાઓ દ્વારા પડાવી લેવાનો કારસો રચાયો હોવાની રાવ સાથે જ્યોર્જ ફિફ્થ કલબ ના હોદ્દેદારો સહીત રમતગમતપ્રેમીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આ અંગે રણજી ક્રિકેટ પ્લેયર દિલીપસિંહ હડિયોલે જણાવ્યું હતું કે, જ્યોર્જ ફિફ્થ કલબ એક માત્ર ગ્રાઉન્ડ છે કે, જ્યાં પાલનપુર અને આજુ બાજુના ગામના રમતવીરો ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, બેડમિંટન તેમજ પોલીસ, આર્મી, આરપીએફ, સીઆરપીએફ, એસઆરપીની ભરતી માટે પ્રેક્ટિકલની પ્રેક્ટિસ કરે છે. આ મેદાનની બાજુમાં આવેલી કલબ સંચાલિત જમીન પર પણ કલબનો કબ્જો છે. આ જમીન પરનો માલિકી હકનો દાવો કરતા લોકો કેસ હારી ગયા છે. ત્યારે ભુમાફિયાઓનો ડોળો આ જમીન પર છે. જેના વિરુદ્ધમાં જ્યોર્જ ફિફથ ક્લબ દ્વારા સોમવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે રેલી સ્વરૂપે જ્યોર્જ ફિફ્થ ક્લબ થી કલેક્ટર કચેરી સુધી જઇને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.