
પાલનપુરના બાળકી દુષ્કર્મ કેસમાં હવામાં બચકાં ભરતી પોલીસ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ અગાઉ અજાણ્યા નરાધમે એક ચાર વર્ષની બાળકીને પીંખી નાખતા બર્બરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા માટે બનાસકાંઠા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો કામે લાગી છે. પરંતુ હજુસુધી આરોપી પોલીસ પકડથી બહાર છે. દરમિયાન ગુરૂવારે રેલવેના આઇજીપી પાલનપુર દોડી આવ્યા હતા. અને તપાસ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી. પાલનપુર રેલવે પોલીસ સ્ટેશન નજીકના અંતરે જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
છેલ્લા ચાર દિવસથી રેલવે પોલીસ, પાલનપુર પૂર્વ પોલીસ, એસ.ઓ.જી, એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. તેમ છતાં પોલીસ હજુ આરોપી સુધી પહોંચી શકી નથી. દરમિયાન ગુરૂવારે રેલવેના આઈજીપી ગૌતમ પરમાર પાલનપુર પહોંચ્યા હતા.
જેમણે જે ટીમો તપાસ કરી રહી છે. તેમની પાસેથી વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. આઈજીએ જે જગ્યાએ દુષ્કર્મની ઘટના બની હતી તે ઘટનાની તપાસ કરી તમામ મુદ્દાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. મિડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતુ કે, બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના ખુબ જ ગંભીર છે. જેના આરોપીઓને જલ્દીથી પકડી પાડવામાં આવશે.