
પાટણ નજીક વાવના ધારાસભ્ય ગેનીબેનને છરી બતાવી ગાડી ઊભી રાખવાનો પ્રયાસ
વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે 10 વાગ્યે તેઓ ભાભરથી ગાંધીનગર આવી રહ્યાં હતાં ત્યારે પાટણ જિલ્લાના કાંસા ચાર રસ્તા પાસે રોડ ઉપર ઊભેલા કેટલાક શખસોએ તેમની ગાડી ઊભી રખાવાનો પ્રયાસ કર્યો હતો. સમય સૂચકતા વાપરીને ડ્રાઈવરે ગાડી ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી.
ગેનીબહેને જણાવ્યું હતું કે આ મામલે તાત્કાલિક પાટણના એસપીને ફોન લગાવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. આગળ સુજનીપુર પાટિયા પાસે પોલીસના વાહનો દેખાતાં ત્યાં ગાડી ઊભી રાખીને ત્યાંની પોલીસનું ધ્યાન દોર્યું હતું. જો ધારાસભ્ય ફોન કરે ને તેને પોલીસ ગંભીરતાથી ન લેતી હોય તો રાજ્યમાં દુષ્કર્મના આટલા કિસ્સા બને છે તે દીકરીઓની શું દશા થતી હશે’ તેવો પણ ગેનીબહેને પ્રશ્ન ઉઠાવ્યો હતો.
જયારે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ વાતને ગંભીરતાથી લઇને તપાસ કરાવીશ. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ મુદ્દો ગંભીરતાથી લઇને કહ્યું હતું કે ‘આ મામલે યોગ્ય થવું જરૂરી છે.