નુકસાનીના સર્વેમાં થયેલી ગેરરીતિઓને દબાવવા અધિકારીઓના ધમપછાડા
રખેવાળ ન્યુઝ ડીસા : ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે જેને લઇ રોજબરોજ અનેક ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવતા હોય છે. જેમાં રાજ્ય સરકારના અધિકારીઓ તો વળી ક્યાંક પદાધિકારીઓ ની સંડોવણી બહાર આવતી હોય છે.જેથી ભ્રષ્ટાચાર ઠેર ઠેર વ્યાપી રહયો છે.બનાસકાંઠા જિલ્લામાં પૂરની સહાય હોય કે પાક નિષ્ફળની સહાય બટાટાના સબસિડીની સહાય હોય કે પછી તડબુચના નુકશાનીનું સર્વે હોય તથા તીડ સહાયના સર્વે હોય દરેકમાં મોટી ગેરરીતિઓ આચરી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ડીસા તાલુકામાં ગત વર્ષે એપ્રિલ માસમાં થયેલા કરા સાથેના વરસાદમાં ખેડૂતોના ખેતરમાં પડેલી સક્કરટેટી અનેતડબુચના પાકોને મોટું નુકસાન થવા પામ્યું હતું.જેને લઇ મીડિયા અને કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ખેડૂતોને થયેલા લાખોના નુકશાનનું રાજ્ય સરકાર સુધી પહોંચાડી સ્તવરે સહાય ચૂકવવા સરકારશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી રાજ્ય ની સંવેદનશીલ સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે સક્કરટેટી અને તડબુચના થયેલા નુકસાનનું સર્વ માટે આદેશ કરી દીધો હતો અને અધિકારીઓ દ્વારા પણ તરબૂચ અને સકકરટેટીના સર્વે કરવામાં આવ્યો પરંતુ જેમાં કેટલાક મળતિયા લોકો અને પદાધિકારીઓના ઇશારે કેટલાક ચોક્કસ લોકોને કે જેમણે શકકરટેટી કે તરબૂચનું વાવેતર ન કર્યુ હોવા છતાં અધિકારીઓની મીલીભગત કરીને તેમના નામોનો ખોટું સર્વે કરાવી લાભ ખાટવાની પ્રેરવી રચવામાં આવી હતી. પરંતુ જે લોકો એ ખરેખર સાચા અર્થમાં સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું અને જેમને મોટું નુકસાન થયું હતું તેમ છતાં સર્વેના લિસ્ટમાં નામ ન હોવાથી જે બાબતે ખેતીવાડી અને બાગાયત વિભાગમાં રજૂઆતો કરતાં આ મામલો ઉજાગર થવા પામ્યો હતો. પરંતુ અધિકારીઓ દ્વારા મળતીયા લોકો ના ઈશારે થયેલ સર્વેની ગેરરીતિઓ માં અધિકારીઓ અને મળતીયા લોકોના પગ નીચે રેલો આવવા શક્યતા હોવાથી સર્વેની કામગીરી રફેદફે કરવા અને અરજદારોને મનાવવા અધિકારીઓ દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે.આ બાબતે અરજદાર દ્વારા માહિતી અધિકાર હેઠળ સર્વેની કામગીરીની સંપૂર્ણ વિગતો માંગી હોવા છતાં અધિકારીઓ દ્વારા આવી માહિતી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે કેટલાક જાગૃત નાગરિકો તેમજ ખેડૂતો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં અધિકારીઓની મેલી મુરાદને છતી થઈ રહી છે.ખરેખર જો તપાસ પંચ નીમવામાં આવે તો મોટી ગેરરીતી બહાર આવે તેમ છે ત્યારે જીલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર બાબતે યોગ્ય પગલાં લેશે ખરા ?