ધાનેરા : અસ્થિર મગજના પતિએ તીક્ષ્ણ હથિયારથી કરી પત્નિની હત્યા
ધાનેરા તાલુકાના ગામે પતિએ જ પોતાની પત્નિની હત્યા કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે અગમ્ય કારણોસર પતિએ પત્નિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પતિ અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યુ છે.
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે પતિએ પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જાડી ગામના સેરસિંહ સોલંકીએ આજે સવારે પત્નિ કુંવરબાઇ સોલંકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સેરસિંહે પત્નિને ઘાતક હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પડોશીઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલે આપી વધુ તપાસ હાથ ધરી છે.
સેરસિંહ અસ્થિર મગજનો હોવાથી વારંવાર બંને વચ્ચે સામાન્ય ઝઘડાઓ થતાં હતા. જોકે આજે સવારે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સેરસિંહે કુંવરબાઇની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં કુંવરબાઇના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ઘાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે પતિ સેરસિંહ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.