ધાનેરાનો વિદ્યાર્થી હોસ્પિટલથી સીધો ફિઝિક્સનું પેપર આપવા હાજર રહ્યો
રખેવાળ ન્યુઝ ધાનેરા: ધાનેરાની સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિજય ધીરજભાઈ દરજીને તા ૦૨ માર્ચ ૨૦૨૦ના રોજ આંતરડામાં આંટી પડતા આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું. બોર્ડની પરીક્ષાને આડે ત્રણ દિવસ જ બાકી હતા અને ત્યારે પેટમાં અચાનક દુઃખાવો વધતાં તેને મહેસાણા બાલાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આગળ તેની લેપ્રોસ્કોપી સર્જરી કરાવ્યા બાદ ડોક્ટરે તેને સાત તારીખે રજા આપવાનું કહ્યું હતું.પરંતુ જેણે બે વર્ષ દરમિયાન રાત-દિવસ એક કરીને પોતાના માતા પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે સખત પરિશ્રમ કર્યો હતો એવા આ સુપુત્રએ પોતાના માતા-પિતાના આશીર્વાદથી અને સંકલ્પ સ્કૂલના એમડી દિલીપભાઈ દરજીની સલાહ સુચનથી આ પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમના આશીર્વાદ થકી મહેસાણા બાલાજી હોસ્પિટલથી પહેલું ફિઝિક્સનું પેપર આપવા હાજર રહ્યો હતો. એને પોતાની મહેનત ઉપર વિશ્વાસ હતો અને એને સાબિત કરવા માટે આવી ગંભીર હાલતમાં પણ મન મક્કમ કરીને એક આદર્શ પુત્રની ભૂમિકા નિભાવી હતી. "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" આ કહેવતને સાચા અર્થમાં ફલિતાર્થ કરતું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.