ધાનેરાના શેરગઢ તેમજ ધરણોધર ગામેથી બે બોગસ તબીબો ઝડપાયા
રખેવાળ ન્યુઝ ધાનેરા : જિલ્લા આરોગ્ય અધિકારીના કડક વલણના કારણે લાયકાત વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે ધાનેરા તાલુકાના શેરગઢ તેમજ ધરણોધર ગામે ભાડાનું મકાન રાખી તબીબી પ્રેક્ટિસ કરતા બે ઇસમોને દવાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.
ધરણોધર પેટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મીનાક્ષીબેન રાજપૂતે ગઈકાલે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે શેરગઢ તેમજ ધરણોધર ગામે ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતા બોગસ તબીબોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જેમાં શેરગઢ ગામે સોલંકી રાજુભાઈ પાસેથી દવાનો જથ્થો તેમજ તબીબી વિભાગના સાધનો મળી આવ્યા હતા. જયારે છેલ્લા ૧૦ વર્ષથી લાયકાત અને ડિગ્રી વગર ડોક્ટર બની બેઠલા હરચંદભાઈ પ્રજાપતિને ધરણોધર ગામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બન્ને ઈસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. ડો.મીનાક્ષીબેને જણાવ્યું હતું કે હેવી ડોજની એન્ટી બાયટીક દવા કે જેની આડઅસર વિશે પણ પૂરતી માહિતી વગર આ ઈસમો લોકોના આરોગ સાથે ચેડા કરતા હતા. તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે.