દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત અને સુખી -સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : આચાર્ય દેવવ્રતજી
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી અંગે પ્રશિક્ષિત ખેડુતોની તાલીમ કાર્યશાળા યોજાઇ હતી. આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરીને તંદુરસ્ત અને સુખી-સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ. દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. રાજ્યપાલએ જણાવ્યું કે, સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતી અંગે માસ્ટર ટ્રેનરો અને ખેડુતોના સંમેલનો યોજાઇ રહ્યાં છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, તા. ૪ સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ હજાર જેટલાં ખેડૂતોને આમંત્રણ પાઠવી એ દિવસે નિર્ણય લીધો હતો કે, ગુજરાતને રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીશું. અને હવે એ દિશામાં પરિણામદાયી પ્રયાસો વડે સફળતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તા. ૫ થી ૧૧ ડિસેમ્બર દરમ્યાન ખેડા જિલ્લાના વડતાલ નગરમાં ૨૨ હજાર જેટલાં ખેડુતોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પબધ્ધ બની પ્રયાસો કરવા રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સમજુ, મહેનતું અને બહાદુર ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે ત્યારે પ્રાકૃતિક ખેતીના અભિગમથી બિમારીઓ દુર કરવા અને ખેડુતોની આવક વધારવા સમગ્ર રાજ્યમાં વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બિમારીઓથી દૂર રહેવા પ્રાકૃતિક ખેતી આશીર્વાદરૂપ છે. અધિક મુખ્ય સચિવએ કહ્યું કે, દેશી ગાયનું છાણ અને ગૌમૂત્રનો એક એક કણ ખેતી માટે બહુ જ ઉપયોગી છે તેનો પધ્ધતિસર ઉપયોગ કરી સારું ઉત્પાદન અને આવક મેળવીએ. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરોએ ખેડુતો સાથેના પોતાના રસપ્રદ સફળ અનુભવો અને પ્રતિભાવો જણાવ્યા હતાં. આત્મા ટીમ બનાસકાંઠા દ્વારા નિર્મિત પ્રાકૃતિક ખેતી અંગેની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. આર.કે.પટેલ, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, આત્માના નિર્દેશક કે. ડી. પંચાલ, ખેતીવાડી અધિકારી, આત્માની ટીમ સહિત માસ્ટર ટ્રેનરો અને વિશાળ સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.