
દાંતીવાડાનો વેપારી લુંટાયો હતો, ચાર આરોપીઓ ઝડપાયા
અમદાવાદમાં નવા વર્ષની શરૂઆતમાં જ ફાયરીંગ વીથ લૂંટની ઘટનાએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી. માત્ર પંદર દિવસમાં જ અમદાવાદમાં ફાયરીંગ વીથ લૂંટની બે ઘટનાઓ સામે આવતા જ ક્રાઇમબ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. જોકે, હવે બાપુનગર બાદ ઓઢવ લૂંટ વીથ ફાયરીંગનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસએ ઓઢવ ફાયરીંગ વીથ લૂંટની ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
મૂળ બનાસકાંઠાના દાંતીવાડાના વતની અને અમદાવાદના ઓઢવમાં હીરાબા જવેલર્સ ધરાવે છે. ૮મી જાન્યુઆરીએ ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પાસે હીરાબા જવેલર્સમાં મોડી સાંજે લૂંટારૂઓ ત્રાટક્યાં હતાં. જવેલર્સમાં દુકાનદાર સહીત ચાર લોકો હાજર હતાં તે દરમિયાન બે લુંટારુઓ ગ્રાહકનાં સ્વાંગમાં આવ્યાં હતાં. દુકાનમાં હાજર લોકોએ ચેઇન બતાવતા જ અન્ય ત્રણ લૂંટારૂઓ ત્યાં આવી પહોંચ્યા હતા. દુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા ૩ લાખ ૫૧ હજાર રોકડા સહિત ૨૦૦ ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ ગેંગ મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓએ દુકાનમાં હાજર અર્જુનભાઈને પણ રિવોલ્વર જેવું હથિયાર મારી ઇજા પહોંચાડી હતી. દુકાનનું શટર બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, બહાર ઉભેલા લોકો પ્રતિકાર કરે તે પહેલાં લૂંટારૂઓએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ સમગ્ર ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પણ પહોચી હતી. હાલમાં ક્રાઇમબ્રાન્ચએ આ ગેંગની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ દરમિયાન અન્ય કેટલાક ગુનાનાં ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.