દસ વર્ષમાં એક પણ હોલીડે ના મનાવી તમામ પગાર પુત્ર પાછળ ખર્ચી દીધો
રખેવાળ ન્યુઝ પાલનપુર : પરિવારમાં એક માત્ર માતાના સહારે વડગામની કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો લય જગતાપ પાછલા દસ વર્ષથી લાન ટેનિસ રમત પ્રત્યે દમખમ દેખાડી શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લાકક્ષાની તમામ સ્પર્ધાઓમાં તે પ્રથમ ક્રમાંકે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન રહ્યો છે. ૧૦ વર્ષની ઉંમરથી ટેનિસ ગેમ પ્રત્યે લયને રુચિ જાગી હતી. તેની માતાએ તેની રમતને આગળ વધારી અને લોન ટેનિસ રમત અત્યંત ખર્ચાળ હોવાનું જાણતા હોવા છતાં દર મહિને તેની પાછળ આખે આખો પગાર ખર્ચ કરતા રહ્યા. અત્યાર સુધીમાં તેની માતા દર્શનબેન જગતાપે ૧૫ લાખથી વધુની રકમ તેની કારકિર્દી પાછળ હોમી દીધી છે.
"ખુદ માતાજો નહિ દે ધ્યાન બાળક ક્યાંથી બને મહાન" પંક્તિને પાલનપુરની દર્શનબેન જગતાપ સાર્થક કરવા મથી રહ્યા છે. દર્શનબેન સાથે વાતો કરતા જાણવા મળ્યું કે " લયને નાનપણમાં જ લોન ટેનિસ રમત પ્રત્યે રુચિ જાગી હતી. આ રમત અત્યંત ખર્ચાળ હોવાની તેમને એ વખતે ખબર હતી. પરંતુ તેમણે પોતાના એકના એક પુત્રનું સપનું સાર્થક કરવા માટે ક્યારેય પાછી પાની કરી નહિ. શિક્ષિકા તરીકે નોકરી કરતા દર્શનબેન જ્યારે જ્યારે પણ લયની સ્પર્ધા હોય ત્યારે તે કોચની ભૂમિકા માં જ જોવા મળે છે. લય એ વાતોવાતોમાં જણાવ્યું કે " પાછલાં ૯ વર્ષથી તે લોન ટેનીસમાં ડીસ્ટ્રીક ચેમ્પિયન બની રહ્યો છે. તાજેતરમાં વેસ્ટ ઝોનની ૩૯ યુનિવર્સિટીઓની નાસિક ખાતે ઇન્ટર યુનિવર્સિટી મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં ઇન્ડિયાના વેસ્ટ ઝોનમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જેના લીધે તેની નેશનલ અને ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યો હતો. આ સ્પર્ધા આગામી ૨૨ થી ૨૮ ફેબ્રુઆરીના રોજ ઓરીસ્સાના ભુવનેશ્વરમાં યોજાનાર છે તેમાં સિલેક્શન થયું છે. આ સ્પર્ધામાં ભારતની ટોચની ૧૬ ટીમો ટકરાશે. જેમાં દરેક ઝોનની ૪ ટીમો ભાગ લેશે.