
દબાણ દૂર કરાવવા ધરણાં : દબાણ દૂર નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગૌચરમાં વ્યાપક દબાણો થયા છે. પરંતુ વડગામ તાલુકાના બસુ ગામમાં તો સ્મશાનમાં દબાણ દૂર કરવાના મુદ્દે એક જોગી બાવાએ પાલનપુર ખાતે કલેકટર કચેરી આગળ ધરણાં પર બેસવાની ફરજ પડી છે. અને ભૂખ હડતાળ પર ઉતરી તેઓએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડગામ તાલુકાના બસુ ગામમાં સ્મશાન માં થયેલા દબાણને દૂર કરવા ૨૦૧૮થી વિવિધ કક્ષાએ રજૂઆત કરવા છતાં પરિણામ મળ્યું નથી. ત્યારે રાવળ ભોમી જોગી બાવાએ અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. તેઓએ સ્મશાનમાં રહેલું દબાણ દૂર કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરી પાસે ભૂખ હડતાળ આદરી ધરણાં યોજ્યા છે. તેઓએ સરપંચ અને તલાટી દબાણદાર ને સાચવતા હોવાના આક્ષેપ સાથે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.