
થરાદમાં મેડીકલ ઓફિસરે તપાસ હાથ ધરતાં બે બોગસ તબીબ રફુચક્કર
રખેવાળ ન્યુઝ થરાદ
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી વર્ગ મનીષ ફેન્સીએ જિલ્લાના સરહદી ગ્રામીણ વિસ્તારોમાં બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની પી.એસ.સી.ના મેડીકલ ઓફિસરને સૂચના આપેલી છે. થરાદ તાલુકાના લુવાણા(ક) પી.એસ.સી સેજામાં બોગસ ડોક્ટરો પ્રેક્ટીસ કરી પ્રજાના આરોગ્યને જાખમમાં મૂકતા હોવાનું ધ્યાનમાં આવતા પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો. મુકેશભાઈ ડી.ચૌધરી અને તેમની ટીમ એમ.પી.એચ.એસ.ને સાથે રાખી કાર્યવાહી હાથ ધરતા થરાદ તાલુકાના દિપડા ગામમાં પ્રેક્ટીસ કરતા સુથાર ગણપતભાઈ અને કિયાલ ગામના કિર્તીભાઈ નામના બોગસ તબીબો તેમના ક્લીનીકને તાળા મારી નાસી છુટ્યા હતા. આથી મેડીકલ ઓફિસની ટીમ દ્વારા નોટીસ ચિપકાવવામાં આવી હતી. થરાદ તાલુકાના દિપડા અને કિયાલ ગોમના તબીબોના ક્લીનીક પર લગાવેલ નોટીસમાં જણાવાયું કે ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર કનેક્ટ ૧૯૬પ અનુસાર તેમજ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરીપત્ર મુજબ યોગ્ય ડિગ્રી વિના એલોપેથીક પ્રેક્ટીસ કરી શકાય નહીં. જેથી આપ જરૂરી ડિગ્રી વિના એલોપેથીક પ્રેક્ટીસ કરતા જણાશો અથવા જરૂરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોંધણી સિવાય બાયો મેડીકલ વેસ્ટ જનરેટ કરતા જણાશો તો આઈ.પી.સી. કલમ ર૬૮, ર૬૯, ર૭૦, ર૭૮ અને ૩૩૬ અન્વયે તમારી સામે ગુનો નોંધાશે. આમ બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના પી.એચ.સી.ના મેડીકલ ઓફિસરો દ્વારો બોગસ તબીબો સામે તવાઈ હાથ ધરાતા આવા તબીબોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.