થરાદમાં અટવાયેલા ૧૨૯ પરપ્રાંતીયોને બાડમેર મોકલાયા
કોરોના વાયરસ
કોરોના વાયરસના કારણે ધંધા રોજગાર બંધ થતાં અને દેશ પણ ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ થવાના કારણે અનેક પરપ્રાંતીય શ્રમિકો માદરે વતન તરફ હિજરત કરી રહ્યા છે. પરંતુ વાહનવ્યવહાર અને આંતરરાજ્ય સરહદો બંધ હોવાના કારણે આવા અનેક પરિવારોને પરિવહન તથા ખાવાપીવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બનાસકાંઠાના થરાદને અડીને આવેલી રાજસ્થાનની બોર્ડર જવા માટે અનેક પરિવારો અને વ્યક્તિઓ થરાદમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓને ભારત વિકાસ પરિષદ અને અન્ય સેવાભાવી સંગઠનો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરી તેમની ક્ષુધા સંતોષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેઓ રાજસ્થાન બોર્ડર તરફ પગપાળા અથવા જેણે બેસાડ્યા એ વાહનોમાં જઇ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ બોર્ડર ક્રોસ કરીને જવા દેવામાં આવતા ન હોવાથી આવા અસંખ્ય લોકો સરહદ પર જ અટવાઇ પડયા હતા. આથી ગુરુવારે રાત્રે થરાદના વહીવટીતંત્ર દ્વારા થરાદ તાલુકાના ખોડા બોર્ડર ખાતે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જનાર વય્યક્તિઓના આરોગ્યની ડૉકટર મારફતે ચકાસણી કરી રાજસ્થાન પરિવહન નિગમની બે બસોમાં તમામને બેસાડી બાડમેર તરફ રવાના કરવામાં આવ્યા હતા. થરાદના મામલતદાર એન કે ભગોરાએ જણાવ્યું હતું કે કુલ ૧૨૯ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. આમ કેટલાય દિવસોના રઝળપાટ પછી તંત્ર દ્વારા આખરે તેમના ઘર તરફ જવા માટેની વ્યવસ્થા કરાતાં શ્રમિકોમાં ભારે આનંદ અને ખુશાલીની લાગણીઓ પણ જોવા મળી હતી
એહવાલ-વિષ્ણુ દવે