
થરાદની નાનોલ પ્રાથમિક શાળાનો શિક્ષક ભોરડુથી રાજાપાઠમાં ઝડપાયો
મોડી રાત્રે બેફામ કાર હંકારતા ગ્રામજનોએ ઝડપી લેતાં,શિક્ષકે જ પોલીસ બોલાવી
રવિવારની રાત્રે થરાદ તાલુકાના ભોરડુ ગામમાં ચિરાગભાઇ મુકેશભાઇ પટેલ હાલ રહે.નાનોલ તા.થરાદ (મુળ રહે.કડાછલા તા.લુણાવાડા જી . પંચમહાલ) નામના શિક્ષકે પોતાને ભોરડુ ગામે માથાકુટ થયેલ છે. પોલીસની ગાડી મોકલો તેવી વર્ધી થરાદ મથકમાં લખાવતાં પોલીસ દોડી હતી.
જ્યાં ભોરડુ ગામે દુધડેરી આગળ લોકોનું ટોળુ ઉભેલું જણાતાં પોલીસે વર્ધી લખાવનાર ચિરાગભાઇ વિશે પુછતાં તે ખુદ ચિક્કાર પીધેલી હાલતમાં રાજાપાઠમાં જણાઈ આવ્યો હતો. આથી થરાદ પોલીસે કિંમત રૂપિયા ૧૦૦૦૦ ના મોબાઈલ સાથે શિક્ષકની અટક કરી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે શિક્ષક સાથે બધા ઈકો કારમાં દારુ પીને આવતા હતા. અને ગામ વચ્ચે પુરઝડપે કાર ચલાવતાં અકસ્માતની દહેશત સર્જાવાના ભયને પગલે ભોરડુના માણસો અને દુકાનવાળા તેને અટકાવી કહેવા જતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. એટલું જ નહિ કરતાં ઊલટાનો ગ્રામજનોને દમદાટી આપવા તેણે જાતે જ ફૉન કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે પીધેલાની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.આમ, સરસ્વતીનો પુજારી રાજાપાઠમાં મોડી રાત્રે ઝડપાયાની કલંકિત ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર સાથે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.