
થરાદના પીલુડા – માગરોળ વચ્ચે અકસ્માતમાં બેના મોત, એક ગંભીર
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ સંચોર હાઇવે પર પીલુડા – માગરોળ વચ્ચે ગઈકાલે ઇકો ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યકતીઓના મોત નિપજ્યા હતા અને એક જણ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
થરાદ-સાંચોર હાઇવે પર પીલૂડાં માર્કેટયાર્ડ નજીક ગઈકાલે ઇકો ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને બે ૧૦૮ વાન દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે પૈકી કરણીદાન ખુમદાન ગઢવી ઉવ.૩૫ રહે. શિવનગર. થરાદ અને જબરદાન કેસરદાન ગઢવી ઉવ.૪૦ રહે. રાજસ્થાન વાળાના મોત થયા હતા. જયારે ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ પૃથ્વીરાજ જાડેજા ઉવ.૩૯ રહે. આબાલિયારા, ભચાઉ કચ્છની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.