થરાદઃ કોરોના સામે પત્રકાર અને પોલીસને ૫૦ લાખનો વિમો આપો
બનાસકાંઠા
હાલ આખો દેશ કોરોના વાયરસ સામે સતત ઝઝુમી રહ્યો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તથા પત્રકાર મિત્રો પોતાના જીવના જોખમે મહામારીમાં સમગ્ર દેશમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. જે અંતર્ગત થરાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી પોલીસ અને પત્રકારો માટે ૫૦ લાખનું વિમા કવચ જાહેર કરવા ભલામણ કરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોલીસ કર્મચારીઓ અને પત્રકારો માટે પ૦ લાખના વિમા કવચની ભલામણ કરી છે. નોંધનિય છે કે, ભારત સરકાર દ્રારા તાજેતરમાં જ આરોગ્ય કર્મચારીઓ માટે ૫૦ લાખના વિમા કવચની જાહેરાત કરી છે. જોકે પોલીસ અને પત્રકારો પણ કોરોનાને લઇ રાત-દિવસ સેવા આપી રહ્યા છે.
કોરોના વાયરસને લઇ ગુજરાતમાં હાહાકાર મચ્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉન હોવાની લોકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. જોકે આવા સમયે આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને પત્રકારો પોતાની સેવા આપી રહ્યા છે. આથી ધારાસભ્યએ પોલીસ અને પત્રકારો માટે ૫૦ લાખનું વિમા કવચ જાહેર કરવા ભલામણ કરી છે.