તીડના નુકસાન અંગે રિસર્વે કરવા થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના વાઘાસણ ગૃપ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ રાણસિંહ ઉગમસિંહ ચૌહાણે વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના વાઘાસણ અને સવરાખા ગામમાં તીડના નુકશાનનું રીસર્વે કરવા બાબતે થરાદના નાયબ કલેક્ટરની કચેરીમાં કેટલા ગ્રામજનો સાથે આવીને બુધવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બંન્ને ગામોમાં ગામે તીડના નુકસાનનો સર્વે કરવામાં આવ્યો હતો.તેમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવેલ છે. જેમાં ૪૦ થી ૫૦ જેટલા ખેડુતોને નુકસાન ન હોવા છતાં પણ તેમના નામ ઉમેરવામાં આવેલ છે. તેમજ જેમને હકીકતમાં નુકસાન થયેલ કરતાં પણ ઓછો વિસ્તાર દર્શાવેલ છે.
આવા ખેડુતોની નામ સાથેની યાદી પણ નાયબ કલેકટરને આપી તેમને રીસર્વે કરી ખેડુતોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર વી.સી. બોડાણાએ તેમની રજુઆત સંબંધિત વિભાગને મોકલી આપવાની ખાત્રી આપી હતી.