ડીસા પાલિકાનો આંતરિક અસંતોષ ડામવાની કવાયત
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના ૧૩ સભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપતા છવાયેલ ગજગ્રાહ વચ્ચે દોડી આવેલ ભાજપ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના સભ્યોએ બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી.
ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ વધી ગયો હતો અને આ આંતરિક વિખવાદ સપાટી આવતા જ વિરોધી જૂથના તેર સભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, ભાજપના જ સભ્યોની રજૂઆત ન સાંભળતા, તેમના વિસ્તારમાં વિકાસના કામો ન કરતા અને મનસ્વી પણે વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો સાથે ભાજપના ૧૧ અને અપક્ષના બે મળી કુલ ૧૩ સભ્યોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા હતા તે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા ગઈકાલે ડીસા એપીએમસી ખાતે નારાજ જૂથને મનાવવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડી પટેલે બન્ને પક્ષની રજુઆત સાંભળી આંતરિક અસંતોષ ડામવાની કવાયત હાથ ધરી હતી.