ડીસા દુષ્કર્મ પ્રકરણમાં સંડોવાયેલ બન્ને હોમગાર્ડઝ જવાન બરતરફ
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ ડીસા યુનિટના હોમગાર્ડ જવાન દ્વારા "હોમગાર્ડ દળને લાંછન લગાડે તેવું કૃત્ય" કરવામા આવ્યું હતું. જેથી બનાસકાંઠા જીલ્લા હોમગાર્ડ દ્વારા બન્ને જવાનોને શનિવારે બરતરફ કરવામાં આવ્યાં છે.
ડીસા શહેરના નવા બસ સ્ટેશનમાં શુક્રવારે વહેલી પરોઢે અમદાવાદની મહિલા પર દુષ્કર્મ આચરવાના કેસમાં બે હોમગાર્ડ તેમજ ચાની હોટલ ચલાવતા યુવકની ગણતરીના કલાકમાં જ ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. આથી મહિલા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સંડોવાયેલ બન્ને હોમગાર્ડ જવાનની અટકાયત કરી હોવા અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા બનાસકાંઠા જીલ્લા હોમગાર્ડઝના જીલ્લા કમાન્ડન્ટ ને લેખિત જાણ કરાઇ હતી. જેથી બન્ને હોમગાર્ડઝ જવાનોએ "હોમગાર્ડ દળને લાંછન લગાડે તેવું કૃત્ય" કરેલ હોઈ જીલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડયાએ તાત્કાલીક અસરથી બન્ને હોમગાર્ડને શનિવારે બરતરફ કરવામાં આવ્યાં છે.