ડીસામાં હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું પાલન ન કરનાર વધુ એક વ્યક્તિ સામે ફરીયાદ
પાલનપુર
હાલમાં રાજય અને દેશ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યો છે. તેના અનુસંધાને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન પ્રમાણે એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭ની જોગવાઇ અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ તેમજ વિદેશથી આવેલા હોય અથવા બીજા શહેરમાંથી આવેલા હોય તેમને ૧૪ હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવાનું હોય છે. બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદથી તા. ૨૩ માર્ચે આવેલ ડીસા તાલુકાના નવા ગામના મહેન્દ્રકુમાર દલપતભાઇ પંચાલ અને તેમના પત્ની મીનાબેનનને ૧૪ દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા સાવિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડા. પલક પટેલ દ્વારા સુચના આપવામાં આવી હતી. પરંતુ મહેન્દ્ર પંચાલ મનસ્વી રીતે ઘરની બહાર નીકળી ફરતા હોઇ હોમ ક્વોરોન્ટાઇનનો નિયમ ભંગ કરતા તેમની સામે ધ એપેડેમીક ડીસીઝ એકટ- ૧૮૯૭ની કલમ-૩ તથા ઇ.પી.કો.૧૮૮, ૨૬૯ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
આ ઉપરાંત અમદાવાદથી તા.૨૫ માર્ચે ઘરે આવેલ સાંતપુર તા. દાંતાના વતની જાગૃતજી લાલજી ચૌહાણ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું પાલન ન કરતા હોઇ તેમજ આરોગ્ય કર્મચારી સાથે ગેરવર્તન કરતાં તેમની સામે પણ દાંતા તાલુકાના હડાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.આમ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિઓ સામે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ફરીયાદ આરોગ્ય વિભાગના ર્ડાકટરો દ્વારા નોંધાવવામાં આવી છે અને તેમને ઘરમાં રહેવા ફરજ પાડવામાં આવી છે તેમ ર્ડા. એન.કે.ગર્ગે જણાવ્યું છે.