ડીસામાં સોની કામ કરતો કારીગર સોનુ લઈ ફરાર
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં દિન પ્રતિદિન ગુનાખોરીની ઘટનાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ઘરફોડ ચોરી – ચિલઝડપ ઉપરાંત છેતરપિંડીની ઘટનાઓને લઈ શહેરીજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક પછી એક બનતી ગુનાહિત ઘટનાઓને લઈ પોલિસ પણ ચોંકી ઉઠી છે. તેના વધુ એક બનાવમાં ડીસાના શ્રી રામ ચોકમાં એક સોનીની દુકાને કામ કરતો કારીગર લાખોનું સોનુ લઈ રાતો રાત ફરાર થઈ જ્તા આ મામલે સોની વેપારીએ દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના શ્રીરામ ચોકમાં રહેતા અને સોની કામ કરતા કમલકિશોર મંદનલાલ સોનીને ત્યાં કારીગર તરીકે કામ કરતો મુન્નામલિક બજર મલિક (મૂળ રહેવાસી ગુલાબબાગ પૂર્વ વર્ધમાન સીટી પશ્ચિમ બંગાલ વાળો) ગત તારીખ ૧૯/૨/૨૦૨૦ ના રોજ દુકાન પર કામ કરતો હતો અને તેઓ ધાનેરા ઉઘરાણી ગયેલ. તે દરમિયાન દુકાન ઉપર તેમનો પુત્ર હોઈ તેને 'મારે મકાનનું ભાડું આપવું છે હું અડધો કલાકમાં આવું' તેમ કહી દુકાનથી નીકળી ગયેલ ત્યારબાદ મોડે સુધી પરત ન ફરતા તેમના દીકરાએ તેને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવેલ. જેથી તેમના પુત્રે જાણ કરતા તેમણે કહેલ કે દુકાનમાં પડેલ સોનુ ચેક કરી લે તેથી તેણે દુકાનમાં પડેલ સોના ચાંદીના દાગીના ચેક કરતા તેમાં તેમના બનાવવા આપેલ દાગીનામાંથી ૬૭ ગ્રામ સોનુ (કિંમત બે લાખ એસી હજાર) નું ગુમ થયેલું હતું ત્યારબાદ તેઓ તાત્કાલિક ડીસા આવેલ અને કારીગરના ઘરે તપાસ કરતા ત્યાં તાળું મારેલ. જે બાદ આસપાસમાં તપાસ કરતા તે મળ્યો ન હતો. આ મામલે સોની મદનલાલે દક્ષિણ પોલીસ મથકે મુન્નામલિક બજરમલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કારીગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.