
ડીસામાં વિવાદિત બગીચો ખુલ્લો મુકવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના હવાઈ પિલર નજીક નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક નાનાજી દેશમુખ બગીચો છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં સપડાયો છે. કોન્ટ્રાકટરનું પેમેન્ટ બાકી હોઇ તેણે આ બગીચાને તાળું મારી દીધું છે. જો કે ડીસાવાસીઓ માટે એકમાત્ર સુવિધાઓથી સુસજ્જ બગીચો બંધ કરી દેવામાં આવતા ડીસાવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આ વિવાદીત બગીચો ખુલ્લો મુકવા માટે તારીખ ૨૪/૫/૧૮ ના રોજ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. ત્યારબાદ ફરી મંગળવારે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી આગામી ત્રણ દિવસમાં બગીચો ખુલ્લો મુકવાની માંગ કરી હતી અને જો તેમ નહિ થાય તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ડીસાવાસીઓના હિતમાં અનશન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેથી આગામી સમયે બગીચા મુદ્દે ગરમા ગરમીનો માહોલ સર્જાય તેવી શકયતા નકારી શકાતી નથી.