ડીસામાં લોટરીના ઈનામના બહાને ઠગાઈનું કારસ્તાન
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં લોટરી લાગવાની છે તેમ કહી ઠગાઈ કરતા ત્રણ ઈસમો ઝડપાઈ જતા સોસાયટીના રહીશોએ તાત્કાલિક તેઓને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. તેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ, છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. પોલીસ પણ આવી ઘટનાઓને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ નીવડી રહી છે ત્યારે ગઈકાલે. શુક્રવારે શહેરની ગોવર્ધન પાર્ક સોસાયટીમાં વધુ એક ઠગાઈની ઘટના સામે આવી છે જેની મળતી વિગતો મુજબ ગોવર્ધન પાર્ક સોસાયટીમાં છ જેટલા ઈસમોએ મહેસાણાથી ઈકો ગાડી લઈ એવરેસ્ટ કંપનીની કુપનો વેચવાનું શરૂ કર્યું હતું.જેમાં આ ઈસમો સોસાયટીના તમામ ઘરોમાં જઈ અને ૧૦૦ રૂપિયાની કુપન આપી અને મોટું ઈનામ લાગશે તેવી લાલચ આપી રહ્યા હતા.જેના કારણે આ વિસ્તારમાં અનેક લોકોએ આ ઇસમોને સો રૂપિયા આપી આ કૂપનો ખરીદી હતી પરંતુ એક પણ વ્યક્તિને ઇનામ લાગ્યુ ન હતું. બીજી તરફ બે વ્યક્તિઓને ઇનામ લાગતા તેમણે ઇનામની માંગણી કરી હતી. પરંતુ આ ઈસમો દ્વારા તેઓને ઇનામ લેવા માટે વધુ ૨૪૯૯ રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું તેમ કહેતા તમામ રહીશોને પોતે છેતરાયા છે તેવું માલુમ પડ્યું હતું અને આ ઈસમો છેતરપિંડી આચરતા હોવાનું ધ્યાને આવતા તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ છ જેટલા ઈસમ હોઈ ત્રણ લોકોના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા. આ બાબતની તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. સત્ય જે પણ હોય પરંતુ ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તવો દ્વારા લોકોની સાથે ઠગાઈ કરવામાં આવે છે ત્યારે પોલીસે ત્રણેય યુવકોની વધુ પૂછપરછ હાથ ધરી છે.જેના પગલે અનેક પ્રકારના વધુ ગુનાઓ તપાસમાં બહાર આવી શકે તેમ છે. આ બાબતે સ્થાનિક રહીશ હરેશ પવાયાએ જણાવ્યું હતું કે આજે કોઈ કમ્પનીમાંથી આવેલા લોકોએ કુપન આપી ઇનામ લાગશે તેવું જણાવી આસપાસના લોકો પાસેથી સો- સો રૂપિયા ઉઘરાવેલા પરંતુ ત્યારબાદ ઇનામ માટે વધુ રકમ માંગતા લોકોને છેતરાયા હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તેમની કડક પૂછપરછ કરી સચ્ચાઈ બહાર લાવે તેવી માંગ પણ કરી હતી. આ બનાવ શહેરમાં 'ટોક ઓફ ધી ટાઉન' બન્યો છે.