
ડીસામાં કોરોના વાયરસને લઈ પાલિકાનો એક્શન પ્લાન
રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ ૮૦થી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. જેને લઈને કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર પણ હરકત આવી છે. કોરોના વાયરસના ચેપથી લોકોને બચાવવા અનેક ઉપાયો શોધવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ ડીસામાં પણ કોરોનો વાઇરસના લક્ષણોના શંકાસ્પદ ચારેક કેસ મળી આવ્યા હતા. જો કે તપાસ બાદ તેના રિપોર્ટ નેગેટિવ આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો પરંતુ આ બાબતને લઈ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને પાલિકા લેવલે પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિસ્તારોમાં ઠેરઠેર સાફસફાઈ તથા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જોકે આ વાયરસ પશુઓના માંસમાંથી ફેલાયો હોવાનું સોસીયલ મીડિયામાં વાઇરલ થયેલ મેસેજની દહેશત વચ્ચે ડીસા ગવાડી વિસ્તાર અને ડોલીવાસ સહિતના વિસ્તારોમાં ચાલતા કતલખાના બંધ રાખવાની નગરપાલિકા દ્વારા મૌખિક સુચનાઓ આપવામાં આવી છે તેમજ સોમવારથી આવા કતલખાના ચાલુ હશે તો તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ મામલે પાલિકાના પ્રમુખ કાંતિલાલ સોની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોરોનો વાયરસને લઈ ડીસા પાલિકા દ્વારા સફાઈની કામગીરી સાથે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ શહેરના જે તે વિસ્તારમાં ચાલતા કતલખાના અને માંસની દુકાનો તાત્કાલિક ધોરણે બન્ધ કરવાના જે તે વિસ્તારમાં મુકડદમો દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોમવારથી જો આ દુકાનોબન્ધ નહિ થાય તો તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.