
ડીસામાં આજે રવિવારે યોજાનાર જિલ્લા કક્ષાનો આરોગ્ય મેળો
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં આજે રવિવારે જિલ્લા કક્ષાનો આરોગ્ય મેળો સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી આવનાર દરેક રોગોના રોગીઓને વિના મૂલ્યે તપાસ અને દવાઓ પણ વિતરણ કરવામાં આવનાર હતી. પરંતુ શનિવારે ડીસામાં કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ દર્દીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ લોકો ભેગા ન થાય અને તેનો ચેપ ન ફેલાય તેવા હેતુસર આ આરોગ્ય મેળો રદ કરવામાં આવ્યો છે.
આ મામલે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયાને કોરોના વાયરસે ભરડામાં લીધી છે અને શનિવારે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ઇન્ટરશીપ કરતા ઓસ્ટ્રેલિયાના ચાર તબીબો માં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને પાલનપુર ખાતે રીફર કરી ઓબજરવેશન હેઠળ રખાયા છે તેમજ તેમના બ્લડ સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે ત્યારે ચિંતાજનક રીતે ફેલાઇ રહેલા કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ ડીસા ખાતે રવિવારે યોજાનાર જિલ્લા કક્ષાનો આરોગ્ય મેળો પણ રદ કરવામાં આવ્યો છે અને તેની જાહેરાત પણ તમામ જિલ્લા લેવલે કરવામાં આવી છે તેમ છતાં કોઈ દર્દી આવશે તો તેના માટે સિવિલ ખાતે એક કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આવનાર દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળનું પણ વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.