ડીસામાં અમિત શાહના રોડ શો વખતે જ બનેલો રોડ પુનઃ બન્યો
રખેવાળ ન્યુઝ ડીસા : લોકસભાની ચૂંટણી સમયે ડીસામાં અમિત શાહના રોડ શોના લીધે નગરપાલિકા દ્વારા રાતોરાત ફુવારા સર્કલથી રીસાલા બજાર થઈ જૂની પોલીસ લાઇન સુધી નવીન રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ નવા રોડ બન્યાને માત્ર ૧૦ મહિના જેટલો પણ સમય થયો નથી છતાં આ રોડ ફરીથી બનતા શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી અને ઉપપ્રમુખ કાન્તિલાલ સોનીની દેખરેખ હેઠળ શહેરમાં અનેક વિકાસલક્ષી કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે ગત તા. ૧૫ એપ્રિલ ૨૦૧૯ ના રોજ ડીસા શહેરમાં લોકસભાની ચૂટણી સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાયો હતો. જે દરમ્યાન ડીસા શહેરના હાર્દસમા ફુવારા સર્કલથી રીસાલા ચોક થઇ જુની પોલીસ લાઈન સુધી રાતોરાત નવિન પાકો ડામર રોડ બનાવી દેવામાં આવ્યો હતો. જો કે આ રોડ બન્યાને હજુ સુધી એક વર્ષ (૧૦ મહિના) પણ પુરૂ થયું નથી. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ફરીથી ૧૪માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે ફુવારા સર્કલથી ગાંધીજીની પ્રતિમા, ગાંધીજીની પ્રતિમાથી રીસાલા ચોક અને રીસાલા ચોકથી જૂની પોલીસ લાઈન ગણપતિ મંદિર સુધી નવો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે આચારસંહિતા અમલમાં હોવાના લીધે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો ન હતો તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો હતો. જેથી તે રોડનું બિલ નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવેલ નથી તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલા રોડને એક વર્ષ જેટલો પણ સમય ન થવા છતાં બબ્બે વાર પાકા રોડ બનાવતા શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.