
ડીસાના શાકમાર્કેટમાં નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના વિ.જે.પટેલ શાકભાજી માર્કેટમાં હોલસેલ તેમજ છુટક શાકભાજીનો વેપાર કરતા વેપારીઓનો સમય નક્કી કરાયો છે તેમજ નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસના લીધે જાહેર કરવામાં આવેલ લોક ડાઉન દરમિયાન લોકોને શાકભાજી વ્યાજબી અને સરળતાથી મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈના માર્ગદર્શન મુજબ સેક્રેટરી એ.એન.જોષીએ શાકભાજીનું હોલસેલ અને છુટક વેચાણ કરતાં વેપારીઓ સાથે બેઠક યોજી સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં હોલસેલ વેપારીઓ માટે સવારે ૪ થી ૧૦ અને છુટક વેપાર કરતા વેપારીઓ માટે સવારે ૪ થી ૧૨ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. જો કે, વેપારના સમય દરમ્યાન ટોળાં ભેગા ન કરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, લારી ધારકોએ સોસાયટીમાં જઇને વેપાર કરવા ઉપરાંત નિયમનું પાલન ન કરનારને શાકભાજીનો પુરવઠો આપવાનું બંધ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.