
ડીસાના પાર્ટીપ્લોટ આગળ પડેલી કારમાંથી ૩.૧૫ લાખના મુદ્દામાલની ઉઠાંતરી
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા-પાલનપુર હાઈવે ઉપર ભોયણ નજીક આવેલ હેપ્પી ઇવેન્ટ પાર્ટી પ્લોટ આગળ પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાંથી ૨૦ દિવસ અગાઉ કોઈ અજાણ્યો ઇસમ કારની ડિકી તોડી ૨.૫૦ લાખ રોકડ અને ૬૫ હજારની કિંમતની સોનાની લક્કી મળી કુલ ૩.૧૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે. આ ચોરી અંગેની વિગત એવી છે કે ડીસા શહેરની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા અને ડીસા નગરપાલિકા કચેરી પાસે આવેલ ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં રાધે જવેલર્સ નામની દુકાન ધરાવતા યોગેશકુમાર કાંતિલાલ સોનીની દીકરી પ્રાચીના લગ્ન પ્રસંગ હોઇ ગત તારીખ ૧૮ જાન્યુઆરીના બપોરના એકાદ વાગ્યાના સુમારે પોતાના પરિવાર સાથે ડીસા-પાલનપુર હાઇવે પરના ભોયણ પાટિયા નજીક આવેલ હેપ્પી ઇવેન્ટ પાર્ટી પ્લોટમાં ગયા હતા. જે દરમ્યાન તેમના નાના ભાઇ સત્યમ સોની પણ પોતાની જીજે-૦૮-એજે-૪૧૮૬ નંબરની હોન્ડા સીટી કાર લઈને આવ્યા હતા. આથી બન્ને ભાઇઓએ પોતાની કાર પાર્ટી પ્લોટ કમ્પાઉન્ડમાં પાર્ક કરી યોગેશકુમાર સોનીએ રોકડ તેમજ દાગીના ભરેલ અને લેડીઝ થેલો એમ બંને થેલા પોતાની ગાડીમાં મૂકી ગયા હતા. ત્યારબાદ સાંજના છ વાગ્યાના સુમારે પોતાની પત્નીનો લેડીઝ થેલો ગાડીમાંથી લઈ ગયા હતા. જો કે, સાતેક વાગ્યાના સુમારે બેન્ડવાજા વાળાને પૈસા આપવાના ભાઈ હોઇ યોગેશકુમાર સોની ગાડીમાં થેલો લેવા આવતા ડીકી ખુલ્લી જોઈ ગાડીમાં તપાસ કરતા થેલો કોઈ ઉઠાવી ગયું હોવાની જાણ થતાં જ તેઓ ગભરાઈ ગયા હતાં. ચોરી અંગે આસપાસમાં તપાસ કરતા કોઇ ભાળ મળી ન હતી. આથી યોગેશકુમાર સોનીએ પોતાની ગાડીની ડીકીમાથી રૂપિયા ૨.૫૦ લાખ રોકડા અને રૂપિયા ૬૫ હજારની કીમતની સોનાની લક્કી મળી કુલ રૂપિયા ૩.૧૫ લાખના મુદામાલની ચોરી થયા અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. આ અંગેની વધુ તપાસ હે.કો. રાજુભાઇ બારોટ ચલાવી રહ્યાં છે.