જસરામાં અશ્વોના કરતબ સાથે આનંદ મેળાની મોજ
રખેવાળ ન્યુઝ લાખણી, ગેળા : લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરે ચાલતા અશ્વ મેળાને માણવા ત્રીજા દિવસે પણ નાના બાળકોથી લઇ મોટેરા ઉમટી પડ્યા હતા અને પાણીદાર અશ્વોની કરતબો સાથે અહીં લાગેલ આંનદ મેળાની વિવિધ રાઈડ્સ અને ખાણી પીણીના સ્ટોલનો પણ આનંદ લે છે હાલ તો આ નાનકડું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ મંદિરના ૐ નમઃ શિવાયના નાદ, અશ્વોની હણહણાટી અને આનંદ મેળાની મોજના ત્રિવેણી સંગમથી ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યું છે. ગુજરાત રાજ્યનો સૌથી મોટો ચાર દિવસનો મેગા અશ્વ મેળો લાખણી તાલુકાના જસરા ગામે ચાલી રહ્યો છે ત્યારે મેળાના ત્રીજા દિવસે સવારથી જ અશ્વ મેદાન ખાતે અશ્વ નાચ , રેવાલ ચાલ, ટેન્ટ પેગિંગ, જમ્પિંગ શો, ચાલીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસ અને સૌથી ખતરાનાક એવી પાટીદોડ યોજાઇ હતી. જે દરેક હરીફાઇમાં અશ્વ અને અશ્વ સવારોએ જોરદાર કરતબ બતાવી હતી. જેનું જજ કમિટી દ્વારા વીડિયોગ્રાફી સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી નિર્ણય જાહેર કરવામાં આવ્યા હતા. આમ જસરા જેવું નાનકડું ગામ અશ્વની કળાઓ અને માનવ મહેરામણથી હિલોળે ચડ્યું હતું.