છાપી હાઇવે ઉપરથી ‘અમુલ’ બ્રાન્ડનું ૮૦ ડબ્બા શંકાસ્પદ દેશી ધી ઝડપાયું
રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપરથી એસઓજી પાલનપુરની ટીમે બાતમી આધારે એક ટેમ્પાને રોકી તલાશી લેતા ટેમ્પામાંથી વિખ્યાત 'અમુલ' બ્રાન્ડના શંકાસ્પદ ૮૦ ડબ્બા દેશી ઘી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઘીને લઈ બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દોડી આવી ઘીના નમૂના પરીક્ષણ માટે લઈ લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.
એસઓજી પી.આઇ જે. બી.અગ્રાવતને બાતમી મળેલ કે ચંડીસરથી એક ટેમ્પામાં ડુપ્લીકેટ ધી ભરી અમદાવાદ તરફ જઇ રહ્યું છે.જેથી બાતમી આધારે પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી નજીક બાતમી આધારે વોચ રાખી પાલનપુર તરફથી આવતા એક ટેમ્પાને ઉભો રખાવી તલાશી લેતા ટેમ્પામાંથી શંકાસ્પદ 'અમુલ' બ્રાન્ડના ૮૦ ડબ્બા દેશી ઘી મળી આવ્યું હતું. એસઓજીની ટીમે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ઓ સહિત બનાસ ડેરીને જાણ કરતા ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘી ડબ્બા ૮૦ ( કિંમત રૂ. ૬ લાખ સાઈઠ હજાર ) તેમજ ટેમ્પા ને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી ડુપ્લીકેટ ઘીને લઈ ડી.જી. ગામીત ડેઝીગનેટેડ ઓફિસર, ટી. એચ. પટેલ ફૂડ સેફટી ઓફિસર તેમજ ફૂડ ઇન્સ. પ્રિયંકા ચૌધરી, લક્ષમી ફોફ, પી.આર. સુથાર સહિત બનાસ ડેરીનો સ્ટાફ પણ ડુપ્લીકેટ ઘીને લઈ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી ડુપ્લીકેટ ઘીનો કારોબાર કરનાર ઈસમની તલાશ હાથ ધરી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી.