ગલબાભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિ દ્વારા ખેડૂતનાં ચહેરા પર સુખનું સ્મિત, આંખમાં હરખનાં આંસુ અને સામાન્ય ખેડૂતોને આર્થિક રીતે સુખી કર્યા હતાં

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશને આઝાદી મળી ચૂકી હતી. એ સમયે  ગરીબી વધારે હતી. દેશવાસીઓ પાસે રોજગારીનો કોઈ સ્રોત ન હતો. ભારત દેશના નેતાઓ પાસે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ખેડૂતોને સદ્ધર કેવી રીતે કરી શકાય ? જ્યારે બનાસકાઠાં જિલ્લાની સામે તો અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. કારણ કે બનાસકાઠાંની ધરતી પર એ સમયે સુકાભઠ અગનજ્વાળા સિવાય કશું હતું નહીં. બનાસવાસીઓની સપના વગરની રાતો જાણે એમ જ પસાર થઈ જતી હતી. ખેડૂતોને કોઈ પ્રકારનું પોતાનું ભવિષ્ય દેખાતું  ન હતું. તે વેળાએ સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ખેડૂતો માટે રોજગારીના દરવાજા ખૂલે તે માટે પ્રયત્ન કરવા માટે આગળ આવ્યા અને ખેડૂતો માટે કંઈક નવું કરવાની વિચારધારા સેવી હતી. ખેડૂતોને પગભર કરવા માટે સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ કરવા માટે દૃઢ સંકલ્પ કર્યો હતો. 
ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખેડૂતોનું શોષણ થતું. તેના લીધે અનેક લોકો પણ હેરાન-પરેશાન થઈ ચૂક્યા હતા. જેમાં બનાસકાઠાં જિલ્લો બાકાત રહ્યો ન હતો. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે અડધી રાત્રે ભારત દેશ ગુલામીની કાળી જંજીરમાંથી મુક્ત થયો હતો. તે સમયે આપણા બનાસકાઠાંના સ્વ. ગલબાભાઈ તો એક સામાજિક નેતા તરીકે યોગ્ય  નેતૃત્વ, પ્રમાણિક  બનીને ઉપસી આવ્યા હતા. ગલબાભાઈ માત્ર ત્રણ ચોપડી ભણેલા હતા, પણ આ ખેડૂત પાસે સર્જનાત્મક વિચારો હતા, જેની પાસે સર્જનાત્મક વિચાર હોય છે તેની સામે રસ્તામાં ગમે તેટલા કાંટા હોય તો પણ સુગંધીદાર ફૂલો પાથરીને તે દુઃખોમાંથી સુખનું નિર્માણ કરી શકે છે, પથ્થરમાંથી પાણી કાઢી શકે છે, એવા માણસને માત્ર જિંદગીનો ઈશારો મળતો હોય છે અને મોતની તાકાતને પણ જાણે માત આપી શકતા હોય છે અને પોતાના વિચારોથી લાખો લોકોની જિંદગીને સુખમાં ફેરવી શકે છે. તેવી જ ઘટના ગલબાભાઈ પટેલની છે, કારણ કે તેઓનું સ્પષ્ટ માનવું હતું કે બનાસકાઠાંના ખેડૂતોના ગાલ પર સુખનું સ્મિત લાવવું હશે, આંખમાં હરખનાં આંસુ લાવવા હશે અને સામાન્ય ખેડૂતને આર્થિક રીતે સુખી કરવો હશે તો સહકારી પ્રવૃત્તિ દ્વારા જ એ કાર્ય થઈ શકશે. 
આ વાત વર્ષ ૧૯૪૭ ની છે. દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તા હતી. દેશ આઝાદીના ફળ ચાખવા માટે અધીરો હતો. બહુ ઓછા લોકોના ઘરમાં તે સમયે રેડિયો હતો. લોકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે વાતો કરતા. ગલબાભાઈએ પણ રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને તેઓનું પ્રથમ ધ્યાન તો ખેડૂતોને પગભર કરવા  પર ગયું હતું. ગલબાભાઈએ વિચાર કર્યો કે સહકારી પદ્ધતિ થકી જ બનાસકાઠાંના ખેડૂતોનો ઉદ્ધાર થઈ શકશે અને તેના દ્વારા જગતનાં તાતના દુઃખડા દૂર થશે.
બનાસકાઠાંમાં તે સમયે એક પણ સહકારી મંડળી અસ્તિત્વમાં ન હતી. આઝાદીના પગલા પડી ચૂક્યાં હતા. ગલબાભાઈએ આઝાદીના મીઠાં ફળો બનાસકાઠાંના ખેડૂતોને ચાખવા મળે તે માટે પ્રયત્નોની શરૂઆત કરી હતી. ગલબાભાઈએ પ્રથમ સહકારી મંડળીની સ્થાપના કરવા માટે શરૂઆત કરી હતી. એ સમયે સહકારીની પરિકલ્પના સમજવા માટે કોઈ તૈયાર ન હતું  ત્યારે સહકારી મંડળીની સ્થાપના માટે સાથ કોણ આપશે…?
ગલબાભાઈ બનાસકાઠાંના ગામડે-ગામડે ફરવા માંડ્‌યા, લોકોની વચ્ચે રહીને સહકારી પ્રવૃત્તિ વિશેની ચર્ચા કરતા હતા અને તેમાંથી કેવી રીતે સુખી થઈ શકશે તેવી વાતો કરતા. ખેડૂતો ક્યારેક તો ગલબાભાઈની વાતો સાંભળીને હસી પડતા. બનાસકાઠાંના વેપારીઓના અસાધ્ય બોજ નીચે કચડાતા ખેડૂતો ગલબાભાઈ પટેલની દીર્ધદ્રષ્ટિની કલ્પના કરવા માટે સમર્થ ન હતા કે, દસ રૂપિયાના શેર લેવાથી તેમને ઓછા વ્યાજે કોઈ પૈસા ધીરી શકે છે. 
ગલબાભાઈ પટેલે લોકોને સહકારી પદ્ધતિ વિશે સમજાવવા માટેની શરૂઆત કરી ત્યારે અનેક અવરોધો-મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો કારણ કે તે સમયે ગામડે-ગામડે ફરવા માટે વાહન વ્યવહાર પણ ખૂબ જ ઓછો હતો. ગલબાભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિને સફળ કરવા માટે મક્કમ નિર્ધાર કરેલો હતો અને તેના થકી બનાકાઠાંના ખેડૂતોને સુખી કરવા છે તેવું નક્કી કર્યું હતું. આઝાદીના શરૂઆતના વર્ષોમાં બનાસકાઠાંના ખેડૂતો સહકારી પદ્ધતિ સમજવા માટે સક્ષમ ન હતાં. ગલબાભાઈ પટેલે એ સમયે મક્કમ નિર્ધાર કર્યો હતો કે સકહારી મંડળીની સ્થાપના કરવી જ છે. ગલબાભાઈ પોતે પ્રથમ સભ્ય બન્યા અને ખેડૂતોને સમજાવીને તેમણે શેર લેવડાવ્યા. પરંતુ સભ્યો જેટલા કરવા હતાં તેટલા પૂરા થયા નહીં. છતાં પણ ગલબાભાઈ પટેલ નાસી પાસ થયા નહીં. તેમણે કેટલાક વેપારીઓને પણ આમાં જોડી દીધા હતા. આમ મહા મહેનતે ગલબાભાઈ જિલ્લાની પ્રથમ સહકારી મંડળીની સ્થાપના ૧૯૪૯માં છાપી ખાતે કરી હતી. શરૂઆતમાં ગલબાભાઈને ધારી એટલી સફળતા મળી ન હતી. પરંતુ તેઓને ચોક્કસ વિશ્વાસ હતો કે આગળ જઈને પણ નાનકડી પદ્ધતિ જિલ્લા ખેડૂતો માટે વટવૃક્ષ સાબિત થશે.
ગલબાભાઈ સર્વજ્ઞાતિનો ઉદ્ધાર કરવા માટે સતત મથામણ કરતા હતાં. તેઓ તમામ જ્ઞાતિને સમાન ગણતા હતા. ગરીબ માણસ કેમ કરીને બે પાંદડે થાય  તેમના માટે લાગણીપૂર્વક પ્રયત્ન કરતા હતાં. ગલબાભાઈ હરિજનોનું પણ ખરાં હૃદયથી ભલું ઇચ્છતા હતા.
ઈ.સ. ૧૯૫૪-૫૫ ની વાત છે. એ સમયે ગુજરાત રાજ્યમાં સૂતર પર નિયંત્રણ લાદવામાં આવ્યું. સૂતરના વ્યવસાય સાથે તે વખતે મોટાભાગે હરિજનો સંકળાયેલા હતા. ગલબાભાઈ પટેલે સૂતર પર નિયંત્રણ આવતા હવે  હરિજનોની રોજીરોટીનું શું થશે, તેના માટે જીવ બાળવા માંડ્‌યા. તેથી તેમણે હરિજનો માટે ‘વીવર્સ સહકારી મંડળી’ સ્થાપવાનું વિચાર્યું હતું. ગલબાભાઈએ હરિજનોને એકઠા કર્યા અને ‘વીવર્સ સહકારી મંડળી’ની સ્થાપના કરી. ‘વીવર્સ સહકારી મંડળી’ની સફળતાપૂર્વક સ્થાપના કરી અને એક હરિજન ભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યો. બનાસના ‘ગાંધી’ ગલબાભાઈ પટેલ પણ ‘વીવર્સ સહકારી મંડળી’ના સભ્ય તરીકે તેમાં જોડાયા હતા. 
વર્ષ ૧૯૮૪માં પ્રકાશિત થયેલ ગ્રંથ ઉત્તર ગુજરાતની અસ્મિતામાં ‘લોક હિતેછુ  ગલબાભાઈ’ નામના લેખમાં લેખક માધવ ચૌધરી લખે છે કે , ‘‘ગાંધીજીના રંગે રંગાઈને લોકસેવાને જીવન સમર્પિત કરનાર જે એક પેઢી ઊભી થઈ હતી, તેમાં બનાસકાઠાં જિલ્લામાં શ્વેતક્રાંતિ રોપનાર અને વિસ્તારમાં લોકહિતકારી અનેક કાર્ય-પ્રવૃત્તિઓ કરનાર ગલબાભાઈનું નામ પણ વિસ્મરણીય રહેશે. લેખક માધવ ચૌધરી વધુમાં લખે છે કે, “૧૯૫૨માં નળાસર ટિમ્બા ચૂડી ઈરીગેશન સોસાયટીની સ્થાપના પણ ગલબાભાઈએ કરી હતી.”
આમ,ગલબાભાઈ પટેલ ગરીબો માટે ખરેખર ઈશ્વરથી ઓછા નહીં હોય…!

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.