
ગલબાભાઈ પટેલે મનીલેન્ડિંગ કાયદા વખતે વેપારીઓ શોષણ ન કરે એટલે ખેડૂતના સાચા હિસાબો કરાવ્યા હતાં
ભારત દેશને આઝાદી તો મળી ગઈ. અંગ્રેજો તો દેશ છોડીને ચાલ્યા ગયા પરંતુ દેશમાં કેટલાક જાણે સફેદ અંગ્રેજો(સફેદ અંગ્રેજો એટલે હાલના ભ્રષ્ટાચારી નેતા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે) રહી ગયા હતા. તેઓની માનસિકતા એવી હતી કે ખેડૂતોને કંગાળ રાખવા અને તેઓની ગુલામી કરતા રહે… આવી સંકુચિત વિચારધારાવાળા કેટલાક વેપારીઓ હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એક ખેડૂત પુત્ર હતા અને તેઓ ખેડૂતોની વેદના જાણતા હતા. ગલબાભાઈએ બનાસકાઠાંમાં ખેડૂતસંગઠનની રચના કરી હતી અને ખૂબ જ સારી રીતે ખેડૂતોની સેવા કરતા હતાં. ભારત સરકારે તે સમયે મની લેન્ડિંગ કાયદો પસાર કર્યો હતો. દેશ ગુલામ હતો ત્યારે અંગ્રેજો ખેડૂતોના ભક્ષક બન્યા હતા. દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોની માફક વેપારીઓ પણ ગંદી નીતિ અપનાવીને જગતનો તાત, જે દેશને અનાજ પૂરું પાડનાર ખેડૂતોના શોષક બન્યા હતા.
તે સમયે ખેડૂતો પાસે કોઈ જાતનું ભણતર પણ નહોતું અને ખૂબ જ પછાત હતા. વેપારીઓ પોતાની ચતુરબુદ્ધિથી એવું કરતા કે એક વખત ખેડૂત તેની દુકાને ચડે તો પછી તે વેપારીનો દેવાદાર બની જતો હતો…! બનાસકાઠાંમાં તો આવા ખેડૂતો ગામડે-ગામડે હતા અને વેપારીઓની ગુલામીમાં સબડતા હતા. વેપારીઓની ગંદી રીત અને શોષણખોરીભરી વૃત્તિને ગલબાભાઈ ખૂબ જ સારી રીતે જાણતા હતા.
હવે દેશમાં મનીલેન્ડિંગ કાયદો આવતા જ ગલબાભાઈ પટેલ ગામડે-ગામડે ફરીને ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરતા હતા. તેમાં સફળ પણ થયા હતા. આમ જે વેપારીઓ ખેડૂતોનું શોષણ કરતા હતા તેઓની સામે કાયદેસર કશું કોઈ કરી શકે તેમ નહોતું. પરંતુ આગળ જઈને ખેડૂતનું શોષણ કોઈ ન કરે તે માટે ખેડૂતોને સમજાવતા હતા. ગલબાભાઈ પટેલ તો પ્રામાણિકતાની જાણે બોલતી મૂર્તિ હતા. ખેડૂતોને કહેતા કે જૂનું દેવુ ભરવું પડશે. મનીલેન્ડિંગ કાયદા અંગે ગલબાભાઈ પટેલે અજ્ઞાની અને ભોળામાં ખેડૂતોમાં સમજણ અને જાગૃતિ લાવી હતી. જેના લીધે ખેડૂતોએ વેપારીઓ દ્વારા થતી શોષણવૃત્તિમાંથી છૂટકારો મેળવ્યો હતો.
ગલબાભાઈ પટેલના જીવનમાં પ્રામાણિકતાનું અગ્રિમ સ્થાન હતું તેનો ખ્યાલો આવે છે. તેઓ પ્રામાણિક વ્યક્તિ તરીકે આખા વિસ્તારમાં જાણીતા હતા.
એક પ્રસંગ એવો છેઃ
ગલબાભાઈએ સટ્ટો કર્યો ત્યારે તેમને લગભગ ૧૬૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. સાથે એ સમયે કેટલાક વેપારીઓએ પણ દેવાળું કાઢ્યું હતું. ત્યારે ગલબાભાઈના ભાગીદારો એ સમજાવતા કે ‘તમે દેવું હવે ન ભરો’ એ વખતે ગલબાભાઈ પટેલ પાસે પૈસા ન હતા ત્યારે બધા લોકોએ દેવું ન ભરવાની વાત કરી, પણ આ ખેડૂતને મતે તો પ્રમાણિકતા જ જીવનમાં ખૂબ જ મહ¥વની હતી. જીવનમાં સાદગી, સત્ય અને પ્રમાણિકતા સિવાય અન્ય નીતિનાશ કરે તેવી બાબતને જીવનમાં દૂર દૂર સુધી કોઈ પ્રકારે સ્થાન ન હતું. ગલબાભાઈ પટેલ કોઈની ટોપી ફેરવે તેમ ન હતા, તે તેમના લોહીમાં ન હતું. ગલબાભાઈએ કહ્યું કે, ‘દેવાળું વેપારી કાઢે, ખેડૂતનો દીકરો નહીં…!’
ગલબાભાઈની પ્રમાણિકતા ઉચ્ચ કોટિની હતી. તેના દર્શન આ પ્રસંગથી થાય છે. જો ગલબાભાઈએ ધાર્યું હોત તો દેવું ન ભર્યું હોત તો પણ ચાલત, પણ તેમણે આવું ન કર્યું અને આખરે ઘરેથી બધા દાગીના લઈને વેચીને પાઈ-પાઈનું દેવું ચૂકતે કર્યું હતું. ગલબાભાઈએ પોતાનું જીવન ખેડૂતોની સેવાથી રંગી નાખ્યું હતું અને તેમણે સ્વાર્થવૃત્તિ અપનાવી ન હતી, પરંતુ સેવાવૃત્તિ અપનાવી હતી.
ગલબાભાઈ પટેલ દેવાદાર ખેડૂતના વ્હારે આવ્યા અને તેમણે ગામડે-ગામડે ફરીને ખેડૂતોના સાચા હિસાબ વેપારી પાસે કરાવ્યાં હતા. સાચી રકમ ભરપાઈ કરવા માટે તેમણે કોઈ વિરોધ કર્યો ન હતો. પરંતુ જે ખેડૂતો પર કમ્મરતોડ વ્યાજ નાખવામાં આવતું હતું તેનો વિરોધ કર્યો હતો. ગલબાભાઈ જાતે રસ લઈ દેવું પતાવી આપવા લાગ્યા. મનીલેન્ડિંગ કાયદાએ અનેક વેપારીઓને નવડાવી નાખ્યા હશે, પરંતુ ગલબાભાઈનું સ્ટેન્ડ ક્લિયર હતું કે બન્ને પક્ષે સાચો ન્યાય મળે એટલે તેમણે સમાધાનવૃત્તિ અપનાવી હતી.
ગલબાભાઈને ખેડૂતો માટે લાગણીનો ધોધ હતો. ખેડૂતો સુખી થાય તે માટે બધું કરી છૂટવાની તમન્ના ધરાવતા હતા. તેઓ ઘણી વખત કહેતા “જાઓ પૂછો, અમારા બનાસકાઠાંના ખેડૂતોની દશા !” ‘મારે ખરું કામ આ ખેડૂતોને બેઠા કરવાનું છે તેઓને સાદું તથા સરળ જીવન જીવતા કરવા છે.’
ગલબાભાઈ પટેલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા. તેઓ હંમેશાં કહેતા કે, “સૂઈગામ, વાવ અને વારાહી જેવા જિલ્લાના દૂર-દૂરના સ્થળેથી ઘણી જ હાડમારીઓ વેઠીને બહુ જ લાંબી આશાઓ સાથે જે માણસો મને મળવા આવે તેમની હકીકત હું ધીરજપૂર્વક ન સાંભળું અને તેમનું કામ ન કરું તો લીધેલો હોદ્દો મારા માટે શાપરૂપ છે.” સંત બાલજી મહારાજે ગલબાભાઈ નાનજીભાઇ પટેલ માટે કહ્યું હતું કે, ‘ બનાસકાંઠાના ખેડૂતોનો મરજીવો’ તેમણે વધુમાં લખ્યું છે “સદગત ગલબાભાઈનો વારસો જેમ બનાસકાંઠા ખેડૂતમંડળ છે, તેમ તેમનો વારસો બનાસ ડેરી પણ છે.”
ગલબાભાઈ પટેલે ખેડૂતને દેવામાંથી મુક્ત કર્યા હોય તેવી વાતો સાંભળવા મળે છે. તેઓનો મંત્ર ખેડૂતોને સુખી કરવાનો હતો અને તેમાં સફળ પણ થયા છે.
ગલબાભાઈ પટેલ વિશે જાણીએ છીએ ત્યારે આધુનિક પેઢીને શીખવા જેવી એક નહીં પણ અનેક બાબતો છે. જેમાં સ્વાર્થભરી રાજનીતિ વધારે સમય ટકીને રહેતી નથી. અર્થાત્ કૃત્રિમતા ટકાઉ હોતી નથી, પણ ખરી વાસ્તવિકતા પોતાના માટે નહીં પણ લોકહિતાર્થ માટે ઉપયોગી બની રહે છે. એટલે ગલબાભાઈ પટેલના જીવનથી હાલની પેઢી અને આવનારી પેઢી પવિત્રતા, નિઃસ્વાર્થ, સત્ય, માનવતા જેવા ઈશ્વરીય ગુણોનું અનુસરણ કરીને જાહેર જીવન કેવી રીતે જીવી શકાય છે તે તેમના આદર્શ ગુણો થકી શીખી શકે છે. ગલબાભાઈ પટેલમાં કોઈ દિવસ દંભ જોવા મળ્યો નથી. કારણ કે તેમણે મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત્ કર્યા હતા. ગાંધીજી પણ સ્પષ્ટપણે માનતા હતા કે, “દંભ એ તો અસત્યનો પોશાક છે.” ગલબાભાઈ પટેલનું સમગ્ર જીવન તપોમય હતું. તેઓ હંમેશાં ગરીબોના, સત્યના અને માનવતાના પડખે રહ્યા હતા.
આમ, ગલબાભાઈ પટેલ આ દુનિયામાં ભલે પ્રત્યક્ષ ન હોય પણ તેમના ગુણો થકી માનવ સમુદાયને પ્રેરણા મળતી રહેશે.