![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ગરમી-એ-પાછલાં-બે-વર્ષનો-હેડ.jpg)
ગરમી એ પાછલાં બે વર્ષનો રેકોર્ડ તોડ્યો : લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ડીસામાં આગ ઓકતી ગરમી:તાપમાન 44.4 ડિગ્રી પહોંચતા લોકો ગરમીમાં શેકાયા, લોકોને લૂ અને હીટવેવથી બચવા આરોગ્ય વિભાગની સૂચના રાજ્યમાં હવામાનની દ્રષ્ટિએ ચર્ચાસ્પદ રહેલા બનાસકાંઠા જિલ્લામાં અત્યારે આગ ઓકતી ગરમી પડી રહી છે. ડીસા હવામાન કચેરી ખાતે બે દિવસ અગાઉ નોંધાયેલા તાપમાન મુજબ પારો 45 ડિગ્રી પર પહોંચી ગયો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બનાસકાંઠા જિલ્લો કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો હોવાથી સતત ફૂંકાઈ રહેલા ગરમ પવનના કારણે અત્યારે ભારે ગરમી પડી રહી છે. બે દિવસ અગાઉ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયું હતું. ભારે ગરમીના કારણે લોકોને હીટવેવ અને લૂ થી બચવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સતત આરોગ્ય લક્ષી ભલામણો કરવામાં આવે છે. જ્યારે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડી છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમી એ પાછલાં બે વર્ષનું રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ડીસામાં સૌથી વધુ ગરમી વર્ષ 2016 માં 48 ડિગ્રી નોંધાઈ હતી. બુધવારે તાપમાન 44.4 ડીગ્રી નોંધાયું હતું.