
ખેરાલુમાં પરીક્ષામાં કિશોરીની બિમાર પડતા, તાત્કાલિક ડોક્ટર બોલાવ્યા.
સતલાસણા તાલુકાના ગામે ધોરણ-૧૦ની વિદ્યાર્થીની આજે પરીક્ષા દરમ્યાન બિમાર પડી જતાં દોડધામ મચી ગઇ હતી. ચાલુ પરીક્ષાએ કીશોરીને પેટમાં દુખાવો અને ઉલટી થતાં તાત્કાલિક સારવાર માટે નજીકના સરકારી દવાખાનેથી ડોક્ટર બોલાવ્યા હતા. જોકે તપાસમાં વધુ સારવારની જરૂર હોઇ વડનગર મેડિકલ હોસ્પિટલમાં કિશોરીને રીફર કરવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીની પરીક્ષાનું પેપર પુર્ણ કરતા વંચિત રહી હોવાનું સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના હોટલપુરની જીવનજ્યોત વિદ્યાલયમાં વિદ્યાર્થીની ઠાકોર અંકિતાબેન વીરાજી અભ્યાસ કરે છે. આજે ધોરણ ૧૦ની પરીક્ષા શરૂ થતાં અંકિતા ડભોડા ખાતે આવેલ શેઠ એલ.જી.શાહ હાઇસ્કુલમાં પહોંચી હતી. આ દરમ્યાન કિશોરીની તબિયત લથડતાં ચક્કર, ઊલટી અને પેટમાં દુખાવો થયો હતો. આથી તાત્કાલિક ધોરણે ડભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિશાલ પ્રજાપતિએ દોડી આવી પ્રાથમિક સારવાર આપી હતી. જોકે વધુ સારવારની જરૂર જણાતા વડનગર મેડીકલ કોલેજ ખસેડવામાં આવી હતી.
કિશોરીને ધોરણ-૧૦ની પરીક્ષાના પ્રથમ દિવસે નાતંદુરસ્ત તબિયતનો સામનો કરવો પડ્યો છે. હોટલપુર હાઇસ્કૂલના શિક્ષક અશોકજી ઠાકોર અને વઘાર હાઇસ્કૂલના શિક્ષક નટવરસિંહ ઠાકોર કિશોરીને સારવાર માટે મદદરૂપ થયા હતા. કિશોરી અંકિતાને વડનગર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું ધ્યાને આવતા પરિવારજનો સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા. અચાનક બિમારીને પગલે કિશોરીને બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર ભારે દોડધામની વચ્ચે પસાર થયુ છે.