
ખેડૂતોને ઘર આગણે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડમાં જીરાની હરાજીનો શુભારંભ
રખેવાળ ન્યુઝ ડીસા : ખેડૂતોને ઘર આંગણે સાચો તોલ અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે સોમવારથી જીરા ની જાહેર હરાજી નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિને પ્રતિ મણ (૨૦ કિલો) જીરાનો ભાવ ૨૩૩૭ નોધાયો હતો.
ડીસા સહિત બનાસકાંઠા અને રાજસ્થાનમાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. શિયાળુ સિઝનમાં અનુકુળ વાતાવરણ ના કારણે જીરાનો પાક સારો થતાં ઉત્પાદન પણ સારૂ મળી રહ્યું છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનના ખેડૂતો જીરાના વેચાણ માટે ઉઝા સુધી લાબા થાય છે. જેથી ખેડૂતોને સમયની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધુ ભોગવવો પડે છે. ડીસા સહિત બનાસકાંઠા અને રાજસ્થાનના ખેડૂતોને ઘર આગણે સાચો તોલ અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇના માર્ગદર્શન મુજબ અને સેક્રેટરી એ.એન.જોષીની સીધી દેખરેખ હેઠળ સોમવારે જીરાની જાહેર હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિને જ જીરાનો પ્રતિમણ રૂપિયા ૨૩૩૭ નો ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશી વ્યાપી જવા પામી છે.
આ અંગે સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને રાજસ્થાનના જીરૂ પકવતા ખેડૂતોને વેચાણ માટે ઉંઝા ખાતે જવું પડતું હતું. જેથી ખેડૂતોને સમયની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ભોગવવો પડતો હતો. ડીસા ખાતે હરાજીનો શુભારંભ થતાં ખેડૂતોને સાચો તોલ અને પોષણક્ષમ ભાવ મળી રહેશે.