
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સામેથી તૈયારી દર્શાવી
રખેવાળ ન્યુઝ પાલનપુર : સમગ્ર વિશ્વ અત્યારે નોવેલ કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. આ વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સંખ્યાબંધ નિર્ણયો લઇ લોકોનું આરોગ્ય સચવાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ મહામારીમાં લોકો જેને ભગવાનનું બીજુ સ્વરૂપ માને છે તેવા ર્ડાકટરો અને મેડીકલ સેવામાં જોડાયેલા સ્ટાફની પ્રશંસા અને સરાહના કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ૫૮ સ્પેશ્યાલીસ્ટ પ્રાઇવેટ ર્ડાકટરોએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સામે ચાલીને તૈયારી દર્શાવી છે.
પ્રાઇવેટ ર્ડાકટરોની સમિતિએ બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને પત્ર લખી આ મહામારીમાં પોતાની સેવા વિનામૂલ્યે આપવાની ખાતરી આપી છે. સ્પેશ્યાલીસ્ટ ર્ડાકટરોમાં ફીઝીશિયન ધાનેરા-૬, પાલનપુર – ૧૩, ડીસા-૪, થરાદ – ૪ આમ કુલ-૨૭, પીડીયાટ્રીશ્યન ધાનેરા-૪, પાલનપુર- ૧૩, ડીસા-૫, થરાદ-૩ એમ કુલ-૨૫, એનેસ્થેટીક ધાનેરા-૧, પાલનપુર-૩ અને થરાદ-૨ એમ કુલ- ૬ મળી જિલ્લાના ૫૮ સ્પેશ્યાલીસ્ટ પ્રાઇવેટ ર્ડાકટરોએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટેની સામેથી તૈયારી દર્શાવતાં જિલ્લા વહીવટીતંત્રએ તેમના નિર્ણયને વધાવી લઇ તમામ સાધન સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા પણ કરી છે.