
કામ નહીં કરો તો જેલ થશે : સીડીપીઓની ધમકી સામે આંગણવાડી કાર્યકરોનો વિરોધ
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓમાં ફરજ બજાવતી કાર્યકર બહેનોને આઈ.સી.ડી.એસ સિવાયની વસ્તી ગણત્રીની કામગીરી આપવામાં આવી છે. અને જો તેઓ કામગીરી નહીં કરે તો ત્રણ માસની જેલની સજા કરવાની સીડીપીઓએ ધમકી આપી હોવાના આક્ષેપો સાથે આંગણવાડી કાર્યકરોએ ઉગ્ર વિરોધ જતાવ્યો છે. આંગણવાડી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી.
સરહદી બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, આંગણવાડીમાં ફરજ બજાવતી કાર્યકર બહેનોને આઈ સી ડી એસ સિવાયની વસ્તી ગણત્રીની કામગીરી આપવામાં આવી છે. અને જો આ કામગીરી નહીં કરવામાં આવે તો ત્રણ માસની જેલની સજા કરવાની સી ડી પી ઓએ ધમકી આપી છે. જેની સામે આંગણવાડી કાર્યકરોનો ઉગ્ર વિરોધ છે. વસ્તી ગણત્રીના જે ફોર્મ આપવામાં આવ્યા છે. તેમાં પણ આ કાર્યકરોને કોઈ ગતાગમ પડતી નથી. અધિકારીઓ એક જ દિવસમાં કામગીરી પુરી કરવાની ફરજ પાડે છે. અને ધમકી પણ આપતા હોય છે. ત્યારે આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી આંગણવાડી કાર્યકર બહેનોની માંગ છે.