
કાણોદર હાઇવે ઉપર હિટ એન્ડ રનનો બનાવ : કારની ટક્કરથી પિતા -પુત્રીનું કરુંણ મોત
કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો : ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા
રખેવાળ ન્યુઝ છાપી
પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ કાણોદરમાં હિટ એન્ડ રનના બનાવમાં શનિવાર વહેલી સવારે કારની ટક્કરથી પિતા – પુત્રીનું કરુણ મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે અકસ્માત સર્જી કાર ચાલકે ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કાણોદર ગામમાંમાં ગેરેજમાં કામ કરતાં અમરતભાઈ ભીખાભાઇ મીર (ઉ.વ. ૫૦) ધોરણ ૨ માં અભ્યાસ કરતી પોતાની દીકરીને શાળામાં મુકવા જઇ રહ્યા હતા તે દરમિયાન હાઇવે ક્રોસ કરતા સમયે રાજસ્થાન તરફથી પુર ઝડપે આવતી કાર નંબર જી.જે. ૩૮ ટી.એ. ૦૪૬૪ ના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી પિતા – પુત્રીને હડફેટે લઈ જોરદાર ટક્કર મારી પચાસ ફૂટ હવામાં ફાગોળતા ઘટના સ્થળેજ બન્નેના કરુણ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, અકસ્માત સર્જી કાર ત્રણસો ફૂટ જેટલી ગસડાઈ હાઇવે પાસેની ચોકડીમાં જઇ ટકરાઈ હતી. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દરમીયાન તાલુકા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને બન્ને પિતા- પુત્રીના મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેની અટકાયત કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
ફોટો સુરેશ અગ્રવાલ