
અવિશ્વાસ પ્રસ્તાવ ટાણે પાલનપુર પાલિકાની સભામાં હાજર ન રહેલા બે કોંગી સદસ્યોને નોટિસ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ સામે કોંગ્રેસના ૧૭ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે અંગે યોજાયેલી ખાસ સભામાં પક્ષના વ્હીપનો અનાદર કરી ગેરહાજર રહેલા બે કોંગી સદસ્યોને શહેર કોંગ્રેસ પ્રમુખે નોટિસ ફટકારી ખુલાસો માંગતા ચકચાર મચી જવા પામી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧૭ સદસ્યો એ ભાજપના નગરપાલિકા પ્રમુખ અશોક ઠાકોર સામે પાલનપુર નગરપાલિકાનો વહિવટ ખાડે ગયેલ છે. અને નગરપાલિકામાં રાજીવ આવાસ યોજના અને શૌચાલયમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે.
પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક તરફી કાર્યસૂચી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર બિન બંધારણીય રીતે લખી લેવામાં આવે છે. અને મનસ્વી રીતે સામાન્ય સભા આટોપી લેવામાં આવતી હોવા સહીત ના કારણો આગળ ધરીને ચિફ ઓફિસર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પગલે ગુરૂવારે ખાસ સભા યોજવામાં આવી હતી. જોકે, આ સભામાં કોગ્રેસના સદસ્ય અશોકભાઇ હજારીમલ જોષી અને ગંગારામભાઇ ભગવાનભાઇ ખરદીયા (પટેલ) ગેર હાજર રહ્યા હતા. જેમને શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે નોટિસ ફટકારતાં કોંગી છાવણીમાં ખળભળાટ મચ્યો છે.