અમીરગઢઃ ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું, બાઇકો સ્લિપ થતાં ૩ ઇજાગ્રસ્ત
અમીરગઢ હાઇવે પર આજે બપોરના સમયે એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયુ હતુ. જેથી મોટી માત્રામાં ડીઝલ રસ્તા ઉપર ઢોળાઇ જતાં ત્રણ બાઇકસવારો સ્લિપ થયા હતા. જેમાં પતિ-પત્નિ અને બાળકો સહિત ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળા ઉમટી પડી ડીઝલની રીતસરની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા પાટીયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ડીઝલ ભરેલુ ટેન્કર પલટી મારી જતાં મોટીમાત્રામાં ડીઝલ માર્ગ ઉપર રેલાતાં ત્રણ જેટલા બાઇકસવારો સ્લિપ થયા હતા. જેમાં એક પતિ-પત્નિ અને બાળકો સહિત ત્રણથી વધુ લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસ આવે તે પહેલા સ્થાનિકોએ રીતસરની ડીઝલની લૂંટ ચલાવી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.