અખાત્રીજે ખેડૂતોએ હળોતરા કર્યા, ખેત ઓજારો અને જમીનની પૂજા કરવાની પરંપરા આજે પણ અકબંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ ‘અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત’. અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભમુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કૂમ કૂમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે.

વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાનો અને હેત ઓજારોની પૂજા કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. પહેલા ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યાર બાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું, પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ-બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી.

આ અંગે ડીસાના રાણપુર ગામના ખેડૂત લક્ષ્મીબેન ઠાકોર અને પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આવનારું ખેતીનું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી’. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે. પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ દુનિયા ગમે તેટલી આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે પરંપરાઓ પણ બદલાવવા માંડી છે. ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.