અંબાજીમાં દાગીના ધોવાના નામે છેતરપિંડી
રખેવાળ ન્યુઝ અંબાજી : યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ આજે એક છેતરપીંડીનો બનાવ પામ્યો હતો. અંબાજી પોલીસમાં સઘન સુરક્ષામાં ફરજ બજાવતા ઉષાબેનના ઘરે દાગીના ધોવાના બહાને બે ઈસમો આવી છેતરપિંડી કરી લાખોના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.
અંબાજીમાં આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અંબાજી પોલીસમાં સઘન સુરક્ષામાં ફરજ બજાવતા ઉષાબેનના ઘરે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે બે ઈસમો આવીને તાંબા પિત્તળના વાસણો અને ઘરેણાં સાફ કરવાનો પાવડર છે એમ કહીને ઘરમાં ઘુસી ગયા હતા અને એક તાંબાનો લોટો તથા ઉષાબેનના પગમાં પહેરેલી ચાંદીની તોડી સાફ કરી આપી હતી અને એમને વિશ્વાસમાં લઈને સોનાના દાગીના પણ સાફ કરી આપીશુ એમ કહીને ઉષાબેનની માતાના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા હાથમા પહેરેલી સોનાની બે બંગડી અને એક વિંટી આ બધા દાગીના એક વાસણમાં મૂકીને તેમાં હળદર વાળું પાણી કરીને કોઈ કેમિકલ ઉમેરીને તેને ગેસ ઉપર ગરમ કરવાનું કહી રસોડામાં ગેસ ઉપર મુકેલ અને કહ્યું કે આ પાણી ઠંડુ થાય ત્યારે ઉતારીને દાગીના કાઢી લેજો, ત્યારબાદ પાણી પીવાના બહાને એક એક કરીને બંને ઈસમો ઘેરથી ફરાર થઇ ગયા હતા, આ દરમિયાન દાગીના ક્યારે કાઢી લીધા તે પણ આ લોકોને ખબર પડી નહિં. દાગીનાની કુલ કિંમત ૧૩૮૦૦૦ જેવી થાય છે અને ત્યાર પછી વાસણમાં જોતા તેમાં કઈ જ હતું નહિં. ત્યારબાદ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ ઠાકોર આગળની તપાસ કરી રહ્યા છે.