આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ : ગુજરાત 'વન કવચ' પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર

જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 400 હેક્ટરમાં ગાઢ જંગલ નિર્માણનો લક્ષ્યાંક ;
5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલાં, ગુજરાત રાજ્ય પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ 'વન કવચ' દ્વારા દેશભરમાં અગ્રેસર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહી છે.જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી અને સઘન વનરાજી ઊભી કરવાનો છે. ગુજરાત સરકારે આ પદ્ધતિ અપનાવીને શહેરી, ઉપ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 'વન કવચ' બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ વન કવચ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને હવાને શુદ્ધ કરે છે, વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો માટે રોજગારીની નવી તકો પણ ઊભી કરે છે.
'વન કવચ' પહેલ: વિસ્તરણ અને પર્યાવરણીય લાભો
ગુજરાતમાં 'વન કવચ' પહેલનું અમલીકરણ નોંધપાત્ર રીતે સફળ રહ્યું છે. વર્ષ 2023-24માં, રાજ્યના 85 સ્થળોએ 100 હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 2024-25માં 122 સ્થળોએ વધુ 200 હેક્ટર ક્ષેત્રમાં વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યની દ્રષ્ટિએ, 2025-26 માટે આ લક્ષ્યને 400 હેક્ટર સુધી વધારવામાં આવ્યું છે, જે ગુજરાતની ગ્રીન ફ્યુચર અને ટકાઉ વિકાસ માટેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.મિયાવાકી પદ્ધતિથી ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઊભું કરી શકાય છે.
આ પદ્ધતિમાં પ્રતિ હેક્ટર 10,000 સ્વદેશી રોપાઓ 1 મીટર x 1 મીટરના અંતરે વાવીને ગાઢ જંગલ વિકસાવવામાં આવે છે. આ રીતે બનતું જંગલ પરંપરાગત વાવેતર કરતાં 10 ગણું ઝડપી વિકાસ પામે છે અને તે 30 ગણાં વધુ ગીચ હોય છે. નજીક નજીક વાવવાને કારણે, રોપાઓ સૂર્યપ્રકાશ મેળવવા માટે સ્પર્ધા કરે છે અને ઝડપથી વૃદ્ધિ પામીને એક મોટા છત્ર જેવો આકાર બનાવે છે. આ ગાઢ આવરણ નીંદણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને જમીનમાં ભેજ જાળવી રાખે છે, જેનાથી છોડનું સ્વાસ્થ્ય સુધરે છે.સૌથી મહત્વપૂર્ણ પર્યાવરણીય લાભ એ છે કે આ પદ્ધતિથી ઊગેલાં વૃક્ષો પરંપરાગત જંગલોની સરખામણીમાં વધુ કાર્બન શોષે છે અને વાતાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડે છે. જ્યાં પરંપરાગત જંગલોને પરિપક્વ થવામાં સદીઓ લાગે છે, ત્યાં 'વન કવચ' ફક્ત 20 થી 30 વર્ષમાં ગાઢ જંગલમાં પરિવર્તિત થઈ જાય છે.
સામાજિક અને આર્થિક ફાયદાઓ, અન્ય રાજ્યો માટે પ્રેરણા
પર્યાવરણીય લાભો ઉપરાંત, 'વન કવચ' પહેલ સામાજિક જોડાણ અને ઇકો-ટુરિઝમને પણ પ્રોત્સાહન આપે છે. આ વન કવચમાં વન કુટિર, બાળકો માટે રમતગમત ક્ષેત્ર અને રળિયામણાં સ્થળોનો સમાવેશ થાય છે, જે વૃક્ષો અને જૈવવિવિધતાના મહત્વ વિશે જનજાગૃતિ વધારવામાં મદદ કરે છે. આ ગાઢ જંગલો પક્ષીઓ, જીવજંતુઓ અને નાનાં સસ્તન પ્રાણીઓ માટે આશ્રયસ્થાન બનીને જૈવવિવિધતાનું જતન કરે છે. આ ઉપરાંત, કેટલાક ખેડૂતો મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને સારું આર્થિક વળતર પણ મેળવી રહ્યા છે.
પર્યાવરણને વધુ સુંદર અને શુદ્ધ બનાવવા માટેની ગુજરાતની આ 'વન કવચ' પહેલ અન્ય રાજ્યો માટે એક ઉદાહરણરૂપ બની છે. મિયાવાકી પદ્ધતિથી બિનફળદ્રુપ કે પડતર જમીન પર પણ વૃક્ષો ઉગાડી શકાય છે, જેના કારણે રાજ્યમાં આ પહેલ વેગ પકડી રહી છે. સ્થાનિક ઓથોરિટી મિયાવાકી જંગલોના વિકાસ માટે જમીન અને સંસાધનોની ફાળવણી કરી રહી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી વિસ્તરી રહેલા વન કવચ હવાની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા છે અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યા છે. 'વન કવચ' દ્વારા ગુજરાત શહેરી વનીકરણ બાબતે અગ્રેસર બન્યું છે અને પ્રતિબદ્ધતા અને નવીન અભિગમ સાથે શહેરો પણ લીલાંછમ બની શકે છે તે સાબિત કરી બતાવ્યું છે.
ટેગ્સ:#Sustainable Development#Environmental Protection#Chief Minister Bhupendrabhai Patel#Biodiversity Conservation#Eco-Tourism#World Environment Day#Gujarat Forest Shield Initiative#Miyawaki Method#Net-Zero Carbon Emissions#Afforestation#Urban Afforestation#Carbon Dioxide Absorption#Social Cohesion
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
4 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
5 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
5 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
6 દિવસ પહેલા
