ભારત-નેપાળમાં ૬ હજાર કેમ્પ દ્વારા ૧ લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક
આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય વહીવટદાર રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે ૨૧થી ૨૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારા રક્તદાન મહા અભિયાનનો પ્રારંભ થયો હતો. શાંતિવનના ડાયમંડ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી બહેનો સહિત લોકોએ રક્તદાન કર્યું હતું અને કુલ ૪૫૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું. બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ભારત અને નેપાળમાં ૬ હજાર રક્તદાન કેમ્પ યોજી ૧ લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મહાઅભિયાનનો પ્રારંભ સંસ્થાના મહાસચિવ રાજયોગી બીકે કરુણા, આબુ રોડના એસડીએમ રામસ્વરૂપ જૌહર, અતિરિક્ત મહાસચિવ બીકે મૃત્યુંજય, ગ્લોબલ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રતાપ મિઢા, અગ્રવાલ સમાજના પ્રમુખ સાગરમલ અગ્રવાલ તથા સમાજ સેવા પ્રભાગના ઉપાધ્યક્ષ બીકે અવતાર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો. એસડીએમ રામસ્વરૂપ જૌહરે રક્તદાનને મહાદાન ગણાવી જણાવ્યું કે, એક વ્યક્તિના રક્તદાનથી બીજાનું જીવન બચાવી શકાય છે. બીકે કરુણાએ રક્તદાન અંગેની ગેરસમજો દૂર કરી લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી. સાગરમલ અગ્રવાલે જણાવ્યું કે રક્તની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી, તેથી રક્તદાન કરવું સામાજિક જવાબદારી છે. બીકે મૃત્યુંજય અને ડૉ. પ્રતાપ મિઢાએ રક્તદાનને વિશ્વ બંધુત્વની પ્રથમ કડી ગણાવ્યું હતું.
કાર્યક્રમમાં બ્લડ બેંક અધિકારી ડૉ. સપના તથા સમાજ સેવા પ્રભાગના સંયોજક બીકે વિરેન્દ્રએ પણ માર્ગદર્શન આપ્યું હતું. આ રક્તદાન બ્લડ બેંક સિરોહી અને ગ્લોબલ ટ્રોમા સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી યોજાયું હતું. પ્રસંગે બીકે પ્રકાશ, બીકે મોહન સિંઘલ, બીકે દેવ, બીકે જગદીશ, બીકે નારાયણ, બીકે અમરદીપ, ધર્મેન્દ્ર સિંહ, બીકે ઈવી ગિરીશ અને શિક્ષક ઈશ્વર સિંહ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.





