અચોક્કસ મુદત માટે કોર્ટ કામકાજથી અળગા રહેવાનો ઠરાવ
લાખણી ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર, ગુજરાત રાજ્યના વકીલો અને સામાન્ય પ્રજાજનોને ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓ તેમજ નવા કાયદાકીય પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લાખણી તાલુકા બાર એસોસિએશનની એક અતિ મહત્ત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં ચર્ચા અંતર્ગત ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા તથા જ્યાં સુધી રાજ્ય સરકાર આ વિધેયક પાછળ ન ખેંચે ત્યાં સુધી તા. ૦૫/૧૦/૨૦૨૬ થી અચોક્કસ મુદત સુધી તમામ વકીલમિત્રોએ કોર્ટ કામકાજથી અળગા રહીને હડતાલ પર જવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન નામદાર કોર્ટમાં ચાલતા કેસોમાં કોઈપણ પક્ષકાર કે વકીલને નુકસાન ન થાય તે માટે સંબંધિત કેસોમાં સ્ટે (કોઈપણ પ્રકારની પ્રક્રિયા મુલતવી રાખવા) આપવા માટે નામદાર કોર્ટને નમ્ર અરજ પણ કરવામાં આવી છે. આ ઠરાવની નકલ આંદોલનના સમર્થનરૂપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, કાયદા મંત્રી (ગુજરાત રાજ્ય, ગાંધીનગર) અને કાયદા સચિવ (ગાંધીનગર) ને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.





