લોકડાઉન બે સપ્તાહ લંબાવવાશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ વડાપ્રધાનનો નિર્ણય
રખેવાળ,ગુજરાત
મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ વડાપ્રધાનનો નિર્ણયઃ દેશને રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વહેંચવા ભલામણઃ પીએમએ વિવિધ રાજ્યોની ભલામણ સ્વીકારી : લોકડાઉન મામલે વડાપ્રધાને કેરળ મોડલ અપનાવ્યુઃ ટૂંક સમયમાં લોકડાઉન લંબાવવા અંગેની ગાઇડલાઇન્સ જારી થશે
નવી દિલ્હી તા. ૧૧ઃ દેશમાં વધી રહેલા કોરોનાના કેસ અને તેના કારણે થઇ રહેલા મૃત્યુના કેસમાં થયેલા વધારાના પરિણામે લોકડાઉનનો ગાળો બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪મી એપ્રિલે લોકડાઉનનો ગાળો પૂરો થઇ રહ્યો હતો જે હવે માસાંતે પૂરો થશે. આ અંગેની ગાઇડલાઇન્સ ટૂંક સમયમાં જારી થઇ રહી છે. એક અહેવાલ અનુસાર આજે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠક બાદ વડાપ્રધાને દેશવ્યાપી લોકડાઉનને બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્રે એ નોંધનીય છે કે મોટાભાગના રાજ્યોએ પોતાને ત્યાં વધી રહેલા કોરોનાના કેસને કારણે લોકડાઉન લંબાવવા વડાપ્રધાનને અપીલ કરી હતી જેનો વડાપ્રધાને સ્વીકાર કર્યો છે. જો કે, વડાપ્રધાને દેશને ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોનમાં વહેંચવાની ભલામણ કરી છે. આ મામલે તેમણે કેરળનું મોડેલ અપનાવ્યુ હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન આ અંગેની તમામ વિગતો પ્રજાજોગ સંદેશમાં આવતીકાલે જાહેર કરશે તેવું માનવામાં આવે છે. રેડ ઝોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે જ્યારે યલો ઝોનમાં થોડી છૂટછાટ આપવામાં આવશે અને ગ્રીન ઝોન કે જ્યાં કોરોનાના કેસ નથી ત્યાં કોઇ પ્રતિબંધ રહેશે નહીં. જો કે, બધી વિગતો આવતીકાલે જાહેર કરવામાં આવશે.