બેંક વાનના કેશિયર પર હૂમલો કરી રૂપિયા ૨.૪૧ લાખ લૂંટવાનો પ્રયાસ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર શહેરના જુના આરટીઓ ચોકડી નજીક આવેલા શાહ આચાર્ય પેટ્રોલપંપ ધોળે દહાડે લૂંટનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામી છે. ગત બપોરના સુમારે નાણાં લેવા માટે આવેલી વાનના કેશિયર ઉપર હૂમલો કરી રૂપિયા ૨.૪૧ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા વાનની સિક્યુરિટી, પેટ્રોલપંપના કર્મચારી અને બાજુમાં આવેલા ટાવરના કર્મચારીઓ એ એક લૂંટારૂને ઝડપી લીધો હતો. જ્યારે બાકીના બે બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. જ્યાં થયેલી ઝપાઝપીમાં પેટ્રોલપંપના એક કર્મચારીને ઇજા થવા પામી હતી. આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ઝડપાયેલા શખ્સની પુછતાછ હાથ ધરી ફરાર લુંટારૂઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું છે. શહેરમાં ચોરી, મારામારી, લૂંટ અને ચીલ ઝડપના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ત્યારે ભર બપોરે લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે.પાલનપુર એચ. ડી. એફ. સી. બેંકની વાન દ્વારા દરરોજ શહેરના જુદાજુદા પેટ્રોલપંપ સહિતના સ્થળોએથી રોકડ રકમ જમા લેવામાં આવે છે. જ્યાં આ વાનના ચાલક ઇમ્તિયાજભાઇ બેલીમ, કેશિયર મહેબુબખાન કાલેટ અને ગાર્ડ કાનજીભાઇ લક્ષ્મણભાઇ એલીયા રાબેતા મુજબ ગતરોજ શહેરના પેટ્રોલપંપની કેશ એકત્ર કરી બપોરના સમયે શહેરના જુના આરટીઓ ચોકડી નજીક આવેલા શાહ આચાર્ય પેટ્રોલપંપે રોકડ લેવા માટે આવ્યા હતા. જ્યાં કેશિયર મહેબુબખાન પેટ્રોલપંપના કર્મચારી પાસેથી રૂપિયા ૨,૪૧,૦૭૦ એક થેલામાં મુકી વાન તરફ આવ્યા હતા. અને વાનમાં બેસવા જાય તે પહેલા બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી એક જણાએ કેશિયરના હાથમાંથી નાણાં ભરેલો થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેશિયરે બુમાબુમ કરતાં પેટ્રોલપંપના કર્મચારીઓ, બાજુમાં આવેલા ટાવરના કર્મચારીઓ અને વાનનો સિક્યુરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. જેમણે થેલો ઝુંટવવાનો પ્રયાસ કરી રહેલા શખ્સને પકડી લીધો હતો. જ્યારે બાકીના બે શખ્સો બાઇક લઇને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. દરમિયાન ઝડપાયેલા શખ્સને પાલનપુર પશ્વિમ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે ગૂનો નોંધી પુછતાછ હાથ ધરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.