જોરદાર પવન અને ધૂળની ડમરીઓ બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો; મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગરમી અને ઉકળાટમાંથી લોકોને મળી રાહત
લાંબા વિરામ બાદ વાવ-થરાદ જિલ્લામાં આખરે મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. સોમવારે બપોર બાદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શરૂઆતમાં જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. ત્યારબાદ મેઘરાજાએ એન્ટ્રી કરતાં થરાદ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી વાવણી અને અન્ય ખેતી સંબંધિત કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





